Gujarati News

Gujarati News

News of Saturday, 17th October 2020

ર૯મીએ બગસરામાં વિજયભાઇ રૂપાણીની જાહેરસભા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૭ : ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટા ચુંટણીમાં ભાજપના ઉમેદવાર જે.વી.કાકડીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા તા.ર૯ના રોજ બગસરા ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની જાહેરસભા યોજાનાર છે. આ જાહેરસભાને શ્રી રૂપાણી સંબોધન કરશે સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો પણ જોડાઇને પ્રચાર પ્રસાર વેગવંતો બનાવશે.

મુખ્યમંત્રીશ્રી રૂપાણીના બગસરા આગમનને કારણે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહ વધ્યો છે. હાલ શ્રી રૂપાણીની સભા માટે અમરેલી જિલ્લા ભાજપ તેમજ બગસરા તાલુકા ભાજપ અને ધારી બગસરામાં ખાંભા વિસ્તારના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે.

ધારી બગસરા ખાંભા વિધાનસભા પેટા  ચુંટણીને કારણે રાજકીય આગેવાનો પણ વધુ સક્રિય બન્યા છે. બીજી તરફ ચુંટણી અંગે જાહેરનામું બહાર પડયાથી આજ સુધીમાં ધારી બગસરા ખાંભા બેઠકમાં કુલ પ૯ ઉમેદવારી પત્રો ઉપડયા હતા. તેમાંથી ૩પની ઉમેદવારી નોંધાઇ હતી. આ ચુંટણી ભાજપ કોંગ્રેસ વ્યવસ્થા પરિવર્તન પાર્ટી યુવા જનજાગૃતિ પાર્ટી, રાષ્ટ્રપતિ જન ચેતના પાર્ટી સહિત અપક્ષોએ પણ પોતાની ઉમેદવારી પત્રો રજુ કર્યા છે. આજે છેલ્લા દિવસે પિયુષકુમાર ઠુંમર, અપક્ષ બાવકુભાઇ અમરૂભાઇ વાળા અપક્ષ, નાનાલાલ કાળીદાસ મહેતા અપક્ષ, માધડ રામજીભાઇ ભીખાભાઇ અપક્ષ, કોટડીયા ભારતીબેન સુરેશભાઇએ કોંગ્રેસમાંથી ડમી ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. ચુંટણીના મેદાનમાં આજ સુધીમાં ભાજપમાંથી શ્રી જે.વી. કાકડીયા, શ્રીમતી કોકીલાબેન કાકડીયા  તેમજ કોંગ્રેસમાંથી કોટડીયા સુરેશભાઇ મનુભાઇ, શ્રીમતી ભારતીબને સુરેશભાઇ તથા વ્યવસ્થા પરિવર્તન પાર્ટીમાંથી અઘેરા કાનજીભાઇ સવજીભાઇ તેમજ પ્રવિણભાઇ ખીમજીભાઇ ગેડીયા, ઇમરાનભાઇ વલીભાઇ પરમાર, રૂડાણી ચતુરભાઇ પરસોતમભાઇ ઠુંમર, પીયુષકુમાર બાબુભાઇ, બાવકુભાઇ અમરૂભાઇ વાળા, નાનાલાલ કાળીદાસ મહેતા, માધડ રામજીભાઇ ભીખાભાઇએ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આમ  ધારી બેઠકમાં ઇસ્યુ થયેલા પ૯ પૈકી ૧૪ ઉમેદવારોએ ૩પ ઉમેદવારી પત્રો ભરી પોતાની ઉમેદવારી  નોંધાવી ચુંટણી જંગમાં ઝંપલાવ્યું છે. ચુંટણી તંત્ર દ્વારા તા.૧૭ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ ચુંટણી ચિત્રસ્પષ્ટ થાય તેવું આયોજન થયું છે.

(1:25 pm IST)