Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જેતલસર ગામમાં વેસ્ટર્ન ઓવર્સીસના કારખાનેદારે ખેતરોમાં લાલ-લીલા કલરનું કેમિકલયુકત પાણી છોડતા ખેડૂતોમાં રોષ

કામગીરીની જગ્યાએ અધિકારીઓ માત્ર નાટક કરતા હોવાથી ૧૦૦ ખેડૂતો મીટીંગ યોજી ગુજરાત હાઈકોર્ટમાં પી.આઈ.એલ કરશે

(કુલદીપ જોશી, દ્વારા) જેતલસર તા ૨૧:  જેતપુરના જેતલસર ગામે વેસ્ટર્ન ઓવર્સીસ નામના સાડીના કારખાનામાંથી રાત્રીના સમયે બે પટેલ બંધુ દ્વારા  ગેર કાયદેસર રીતે કેમિકલ યુકત પાણી છોડવામાં આવતા આજુબાજુના ખેતરોમાં ભરાઈ ગયા હતા. કેમિકલયુકત પાણી અને સલ્સવાળા પાણીના કારણે ખેતરમાં વાવેલા પાકને ભારે નુકશાન થતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સતત એન.જી.ટીના નિયમો અને જીપીસીબી તંત્રના નિયમોના લિરેલીરા ઉડાડી જાહેરમાં કેમિકલ યુકત પાણી છેડવામાં આવતા જેતલસર ગામના ખેડૂતોની જમીન બજરં બની રહી છે. તો આ ઉપરાંત કુવા અને બોરનું પાણી પણ લીલા રંગનું થઈ જતા ખેડૂતોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. જેતપુર જીપીસીબી ચાર  અધિકારીઓ કોઈ નક્કર કાર્યવાહી કરતું ન હોવાથી સ્થાનિક ખેડૂતો ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવી કારખાના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે પી.આઈ.એલ દાખલ કરશે.

જેતલસર ગામના દિલીપભાઈ હરિભાઈ ભુવાએ જણાવ્યું હતું કે જેતલસર જંકશાનમાં તેમની વાડી આવેલી છે. જ્યાં વેસ્ટર્ન ઓવર્સીસ નામના સાડીના કારખાનેદાર સંજયભાઈ ઠુંમર તથા રાકેશભાઈ ઠુંમર દ્વારા છેલ્લા પાંચેક વર્ષથી રાત્રીના સમયે દુષિત પાણી છોડે છે. પોતાની વાડી ઉપરાંત સ્થાનિક લોકોની વાડીમાં દુષિત પાણી છોડવાના કારણે પાકને નુકશાન થાય છે અને રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સર્જાઈ છે.આ અંગે જેતપુર જીપીસીબીના આર.બી.સોલંકી, ગિરધાર રામ સહિતના ચાર અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. બે દિવસ પૂર્વે બે અધિકારીએ મુલાકાત લીધા બાદ દુષિત પાણીનું સેમ્પલ લઇ જઈ બન્ને પટેલ બંધુ સાથે ચા –પાણી પી ગાંઠિયા ખાઈ લીધા હતા. જેતલસર ગામના ૧૦૦ ખેડૂતોની જમીનમાં દુષિત પાણી જમીનમાં ઉતરી જતા બોરમાં પણ કેમિકલ વાળું દુષિત પાણી આવે છે. ગામના ૧૦૦ ખેડૂતોએ લેખિતમાં અરજી આપી હોવા છતાં જીપીસીબીના ચારેય અધિકારીઓ ઘુંઘટ તાણી રહ્યા છે, આ કારખાનામાં એક પત્રકારની મિલીભગતના કારણે સ્થાનિક જીપીસીબી તંત્ર પગલા લેવામાં આવતા નથી. જેથી સ્થાનિક ખેડૂતો ટુક સમયમાં મીટીંગ યોજી ગુજરાત હાઈકોર્ટનો દ્વાર ખટખટાવી પી.આઈ.એલ કરશું.

(1:21 pm IST)