Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કચ્છમાં ૨૪ કલાકમાં ૬ ભૂકંપના આંચકા

૩.૬:૨.૬:૨.૧ ની તિવ્રતાથી બેલા - દુધઇ સહિતના વિસ્તારોમાં ધરા ધ્રુજતા લોકોમાં ભય

રાજકોટ તા. ૨૧ : કચ્છમાં છેલ્લા ૨૪ કલાકમાં ભૂકંપના ૬ આંચકા અનુભવાતા લોકોમાં ભય પ્રસરી ગયો છે.

ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે કાલે રાત્રીના ૧૨:૧૨ વાગ્યે ૩.૬ ની તિવ્રતાનો દુધઇમાં રાત્રે ૧૨:૨૪ વાગ્યે ૨.૧ ની તિવ્રતાનો કચ્છના બેલામા, બપોરે ૨.૫૫ વાગ્યે દુધઇમાં ૨.૬ની તિવ્રતાનો સાંજે ૬:૧૮ વાગ્યે દુધઇમાં ૧.૫ની તિવ્રતા, આજે સવારે ૧૦:૪૧ વાગ્યે દુધઇમાં ૨.૩ની અને ૧૨:૧૦ વાગ્યે ૧.૧ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો રાપરમાં નોંધાયો હતો.

સતત ભૂકંપના આંચકાઓથી ફરી ધ્રૂજી કચ્છની ધરા ધ્રૂજી ઉઠી છે. જોકે, કચ્છવાસીઓને તેની આદત પડી ગઈ છે. ચાર દિવસ પહેલા જ કચ્છમાં ૩.૧ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. રિકટેર સ્કેલ પર ૩.૧ ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. દૂધઇથી ૨૪ કિમી દૂર કેન્દ્રબિંદુ નોંધાયું હતું. સતત આવતા આંચકાથી કચ્છવાસીમાં ભયનો માહોલ રહેતો હોય છે.

એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે.

ઉલ્લેખનીય છે કે, ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે. કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે.

(3:09 pm IST)