Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મોરબીમાં કોરોના મહામારી સાથે માનવતા મહેકી, રાહતદરે મોસંબી-નાળીયેરનું વિતરણ : મોરબીમાં કોરોનાની વિકટ પરિસ્થિતિ વચ્ચે લીલા નાળિયેર-મોસંબીના ભાવો અંકુશમાં લેવાની માંગ : ફ્રૂટના ભાવો અંકુશમાં લઇ ભાવપત્રક બાંધી આપવાની માંગ સાથે કલેકટરને રજુઆત

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબીમાં કોરોના કહેર બેકાબુ બન્યો છે કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે ત્યારે બીજી તરફ માનવતા નેવે મુકીને ફ્રુટના વેપારીઓએ ભાવોમાં વધારો કરી નાખ્યો હોય જેથી દર્દીઓ ફ્રુટ ખાઈ સકે તેવી સ્થિતિ રહી નથી ત્યારે મોરબીના સેવાભાવી દ્વારા રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ શરુ કરાયું છે

મોરબીમાં કોરોના મહામારીને ધ્યાને લઈને સેમસંગ કેર દ્વારા રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલ સરદાર કોમ્પ્લેક્ષ શનાળા રોડ મોરબી ખાતે રાહતદરે મોસંબી અને નાળીયેરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જરૂરિયાતમંદ દર્દીઓ લાભ લે તેવો અનુરોધ સેમસંગ કેરના સંચાલક દ્વારા કરવામાં આવ્યો છે

      મોરબી જિલ્લામાં હાલ કોરોનાની વિકટ પરિસ્થિતિ છે. ત્યારે આવી કપરી પરિસ્થિતિ વચ્ચે કોરોનાની સારવાર માટે કુદરતી ઉપચાર સમાન ગણાતા લીલા નાળિયેર અને મોસંબીના ભાવોમાં આગઝરતી તેજી આવી હોય એમ ભડકે બળ્યા છે. લીલા નાળિયેર તો એટલી હદે મોંઘા બન્યા છે કે એના ભાવો સામાન્ય માણસોને કોઈ કાળે પરવડે તેમ નથી. આથી, ફળફ્રૂટના ભાવો અંકુશમાં લઇ ભાવપત્રક બાંધી આપવાની માંગ સાથે કલેકટરને રજુઆત કરવામાં આવી છે.

મોરબીના જાગૃત નાગરિક ચિરાગભાઈ કાંઝારિયાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે મોરબી જિલ્લામાં હાલ કોરોના મહામારીએ આડો આંક વાળી દીધો છે. ઘરે-ઘરે કોરોના જેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. આથી, ડોકટરો આ કોરોનાની બીમારીમાંથી ઉગરવા માટે દર્દીઓને લીલા નાળિયેર અને મોસંબીનું સેવન કરવાની સલાહ આપતા હોય છે. આથી, લીલા નાળિયેરની માંગમાં ઉછાળો આવતા લીલા નાળિયેરના ભાવો આસમાને આંબી ગયા છે.

અગાઉ લીલા નાળિયેરના રૂ. 30થી રૂ.40ના ભાવ હતા. તેમાં વધીને હવે લીલા નાળિયેર રૂ. 90થી રૂ. 100ના ભાવે મળે છે. તેમજ મોસંબી અગાઉ રૂ. 200થી રૂ. 220ના ભાવે મળતી હવે તેમાં પણ માંગમાં વધારો થતાં મોસંબી રૂ. 1 હજારથી 1400ના ભાવે મળે છે. આ રીતે ઉઘાડી લૂંટ જ થતી હોવાથી સામાન્ય વર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે ત્યારે સામાન્ય વર્ગના દર્દીઓને પોસાય તે રીતે આ ફ્રૂટના ભાવોના બાંધણું કરવાની કલેકટર સમક્ષ માંગ ઉઠાવી છે

(3:34 pm IST)