Gujarati News

Gujarati News

News of Monday, 21st September 2020

મોરબીમાં લૂંટારૂ ગેંગ ઝડપાઇ : ચારેય 'સ' નામના આરોપી ૧૧૬ ચોરાઉ મોબાઇલ અને બે મોપેડ સાથે ઝબ્બે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૧ : મોરબી જીલ્લામાં લૂંટ અને ચોરીના ગુન્હાઓ નોંધાયા હોય જેની તપાસ ચલાવતા એલસીબી ટીમે લૂંટ અને ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ચાર ઇસમોને ઝડપી લઈને ૧૧૬ મોબાઈલ, ૨ મોટરસાયકલ સહીત ૬ લાખથી વધુના મુદામાલ સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.

મોરબીના પાવડીયારી કેનાલ પાસે પરપ્રાંતીય યુવાનને છરી બતાવી મોબાઈલ ફોન અને રોકડ લૂંટ તેમજ ટંકારાના મીતાણા નજીક પ્લાન્ટમાંથી ચાર મોબાઈલની ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હોય જે ગુન્હાઓમાં સંડોવાયેલ ચાર ઈસમો બે મોટરસાયકલ પર મોરબીથી જેતપર રોડ તરફ ચોરીના મોબાઈલ વેચવા જતા હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી અને નવી પીપળી ગામ પાસેથી પસાર થતા ચાર ઇસમોને રોકી પૂછપરછ કરતા અને થેલો ચેક કરતા અલગ અલગ કંપનીના ૧૧૬ મોબાઈલ મળી આવતા સઘન પૂછપરછ ચલાવી હતી. જેમાં આરોપીઓએ વિવિધ વિસ્તારમાં છરી બતાવી ધમકી આપી મોબાઈલ ફોન લૂંટ અને ચોરી કરતા જે ચોરીના મોબાઈલ તેઓ મજુરોને વેચતા હોવાની કબુલાત આપતા એલસીબી ટીમે આરોપી સુલતાન સલેમાન ઉર્ફે સરમણ સુમરા, સોહિલ ઉર્ફે ભૂરો રસુલ હસન સુમરા, સતીષ ઉર્ફે વલીયો રમેશભાઈ ડેડવાણીયા અને સુરેશ ઉર્ફે સુરીયો અવચર જંજવાડીયા રહે. બધા વિસીપરા મોરબી વાળાને ઝડપી લઈને વિવિધ કંપનીના મોબાઈલ નંગ ૧૧૬ કીમત રૂ ૫,૬૫,૫૦૦ અને બે મોટરસાયકલ કીમત રૂ ૪૦,૦૦૦ સહીત કુલ રૂ ૬,૦૫,૫૦૦ નો મુદામાલ જપ્ત કરાયો છે

કેવી હતી મોડસ ઓપરેન્ડી

ઝડપાયેલ ચાર ઈસમો મોડી રાત્રીના સમયે બે મોટરસાયકલ પર નીકળી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મજૂરોની ઓરડીમાં અને બંધ મકાનમાંથી તથા રસ્તા પરથી નીકળતા એકલા માણસને રોકી છરી બતાવી ધમકીઓ આપતા અને મોબાઈલ ફોન તથા રોકડ રકમની લૂંટ કરતા હોવાનું જાણવા મળ્યું છે.

(11:35 am IST)