Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ASP સફીને ગેમ પાર્લરના સંચાલકને ઢોર માર માર્યો

સમગ્ર મામલો સીસીટીવીમાં કેદ થયો : દુકાન સંચાલકને માર મારીને દુકાન નહીં ખોલવાની ધમકી આપી, દુકાનદારને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડાયો

ભાવનગર,તા.૨૧ : ભાવનગર ખાતે જુગારની બાતમી બાત પોલીસ એક જગ્યાએ દરોડાં માટે ગઈ હતી. જોકે, અહીંથી કોઈ વાંધાજનક સામગ્રી કે જુગારીઓ ન ઝડપાયા પોલીસે દુકાન સંચાલકને ઢોર માર માર્યાનો આક્ષેપ લાગ્યો છે. દબંગ બનેલી પોલીસનો દુકાન સંચાલકને માર મારવાનો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે. ઢોર માર માર્યા બાદ દુકાન સંચાલકને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ભાવનગરના એએસપી સફીન હસને વીડિયો ગેમ પાર્લરના સંચાલકને માર માર્યાનો આક્ષેપ થયો છે. મળતી માહિતી પ્રમાણે ભાવનગર શહેરમાં આવેલા શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલા ગોપી કોમ્પ્લેક્સ ખાતે પટેલ વીડિયો ગેમ પાર્લર આવ્યું છે. પોલીસને એવી બાતમી મળી હતી કે પટેલ વીડિયો ગેમ પાર્લર ખાતે જુગાર રમાડવામાં આવી રહ્યો છે.

              જે બાદમાં સફીન હસન અને અન્ય પોલીસ સ્ટાફ બાતમીના સ્થળે એટલે કે પટેલ વીડિયો ગેમ પાર્લર પર પહોંચ્યા હતા અને તપાસ હાથધરી હતી. પોલીસને તપાસ દરમિયાન દુકાનમાંથી કોઈ જ વાંધાજનક મળ્યું ન હતું. જોકે, આ દરમિયાન પોલીસે દુકાન સંચાલકને ઢોરમાર માર્યો હતો. આ અંગે સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં સફીન હસન દુકાનદારને માર મારતા હોવાનું જોવા મળી રહ્યું છે. પોલીસના માર બાદ દુકાન માલિક યજ્ઞેશભાઈ મકવાણાને સારવાર માટે ભાવનગરની સર ટી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તેમના શરીર પર મારના નિશાન જોઈ શકાતા હતા. આ દરમિયાન યજ્ઞેશભાઈએ એએસપીએ માર મારીને દુકાન બંધ કરાવી દીધાનો આક્ષેપ કર્યો હતો. યજ્ઞેશભાઈએ જણાવ્યું હતું કે, બપોરના સમયે પોલીસ આવી હતી અને ધાક-ધમકી આપીને મને માર માર્યો હતો. ૧૫ વર્ષથી હું વીડિયો ગેમની દુકાન ચલાવું છું. બપોરના ચારેક વાગ્યે હસન સરે આવીને ધોલ-થપાટ અને બેલ્ટથી માર માર્યો હતો. એ લોકો મને કહીને ગયા છે કે દુકાન બંધ કરી દેજો હવે ખોલતા નહીં. મનોહરસિંહની દુકાન છે. છેલ્લા ૧૫ વર્ષથી હું સિઝનલ ધંધો કરું છું. જુગારનો આક્ષેપ ખોટો છે. મને હાથ પર ઈજા પહોંચી છે.

(7:47 pm IST)