Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

સોમનાથ મંદિર પાસે હાઇવેના શંખ ચક્ર ચોકમાં હાઇમાસ્ક ટાવરની લાઇટ બંધ

(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસપાટણ તા.૨૨ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિરના ગેટવે સમાન પ્રભાસપાટણ નેશનલ હાઇવે ગુરૂકુળ સામેના શંખ સર્કલ ચોકમાં હાઇમાસ્ક ટાવરની લાઇટો છેલ્લા કેટલાક દિવસોથી બંધ છે.

સોમનાથ આવતા યાત્રિકો અને વાહન ચાલકોને પારાવાર હાલાકી ભોગવવી પડે છે અને અંધારામાં અથડાવુ પડે છે એટલુ જ નહી આવા અંધારાને લીધે વાહન અકસ્માતો તેમજ રાહદારીઓને અકસ્માત નડવાનો પુરતો સંભવ છે.

હાઇવેના પસાર થતા હાઇમાસ્ક ટાવરની દેખરેખ જાળવણી અને લાઇટ ચાલુ છે કે નહી તેનુ દૈનિક નિરીક્ષણ કરવુ. હાઇવે ઓથોરીટી અને ટોલનાકા વિભાગે કરવાનુ હોય છે અને જેના ભાગરૂપે જ તોતીંગ ટોલટેક્ષ વાહનચાલકો ભરે છે. આમ છતા કોઇ કાળજી લેવાતી નથી. આ લાઇટ ટાવર બંધ રહેવા અંગે વારંવાર રજૂઆતો થયેલ છે પરંતુ હાઇવે ઓથોરીટીને માત્રને માત્ર ટોલટેક્ષ ઉઘરાવવામાં રસ છે.

ટાવરની વિશાળક્ષેત્ર સુધી ફેલાતી લાઇટ બંધ હોય અજાણ્યા વાહનો સોમનાથ જવાને બદલે વેરાવળના રસ્તે ચડી જાય છે અને હવે રેલ્વે સ્ટેશન પણ શરૂ થઇ ગયુ છે. જેથી રેલ્વે રાત્રીના પણ આવતી હોય છે. જેથી યાત્રીકોને આ અંધારાનો સામનો કરવો પડશે.

સોમનાથ શંખચક્રની સોમનાથ બાયપાસ સુધીની લાઇટો પણ બંધ હાલતમાં જ છે તેમજ બાયપાસ રોડ ઉપર આવેલ હાઇમાસ્ક ટાવર પણ વારંવાર બંધ થાય છે છતા આ હાઇવે ઓથોરીટી અને ટોલનાકાના જવાબદાર લોકો આ લાઇટો રીપેરીંગમાં જરાપણ ધ્યાન આપતા નથી તેનો યાત્રિકો અને વાહન ચાલકોમાં આ લાઇટો તાત્કાલીક ચાલુ કરવા માંગણી ઉઠવા પામી છે.

(11:30 am IST)