Gujarati News

Gujarati News

News of Friday, 22nd January 2021

દ્વારકાના ઐતિહાસિક ભડકેશ્વર મંદિરનો ત્રણ કરોડના ખર્ચે વિકાસ કરાશે

રાજયના મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી મળી સિધ્ધાંતિક મંજુરી મળતા

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા, તા.૨૨: પૌરાણિક ભડકેશ્વર મહાદેવ મંદિરના વિકાસાર્થ રાજય મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી મળતાં નગરપાલીકા દ્વારા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે. પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિથી ઘેરાયેલું કૃષ્ણકાળના સમયનું પૌરાણિક શ્રી ભડકેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલ છે. રત્નાકર પોતાના જળથી ભગવાન શિવના નિત્ય ચરણ પખાળી શકે તે માટે અફાટ જળરાશિની મધ્યે ખડ્ક પર ભગવાન ભડકેશ્વરનું શિવાલય આવેલું છે, સેંકડો વર્ષોથી સમુદ્રના પ્રચંડ મોજાઓની સામે બાથ ભીડીને પોતાના વિજયની ધ્વજા ગયેલ હોય જેથી આ એતિહાસિક શિવાલયને અઘતન બનાવવાના ભાગરૂપે નગરપાલિકાના સતાધીશો દ્વારા ઉચ્ચ કક્ષાએથી થયેલી રજુઆતોની ફળશ્રુતિ રૂપે શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિર પરીસરના સમગ્રલક્ષી મજબુતીકરણ, વિસ્તૃતીકરણ અને સુષિધાજનક અને સૌંદર્યયુકત બનાવવા માટે ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ તરફથી રૂપિયા ત્રણ કરોડની ગ્રાન્ટ મંજુર કરવામાં આવેલ છે. અત્રે નોંધનીય છે કે શ્રી ભડકેશ્વર મહાદેવનું શિવાલય સમુદ્રની વચ્ચે આવેલું હોવાથી સ્થાનીક લોકો તથા બહારથી પધારતાં ભાવિકો એક વાર અવશ્ય દર્શનાર્થે આવે છે. આ શિવાલય આસપાસના એરીયાનો વિકાસ થવાથી ફરવાલાયક સ્થળ હોવાની સાથે સાથે હવે મંદિર પરીસરને અદ્યતન બનાવવાની યોજના મંજુર થવાથી આ શિવાલય એક યાદગાર રમણીય ધાર્મિક સ્થળ તરીકે ઉભરી આવશે.

(11:45 am IST)