Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

પત્‍ની અને વહાલસોયી પુત્રીને અગ્નિદાહ આપવા સમયે ચરણસિંહ ધ્રુસકે ધ્રુસકે રડી પડયાઃ દિકરી લોકડાઉનમાં કહેતી..જમીશ તો પણ સાથે જ...

ઘટના બની ત્‍યારે ચરણસિંહ એરપોર્ટ પર ડયુટી પર હાજર હતાઃ અનેક વખત દિકરીના વિડીયો મુકતા : આખુ પીઠડીયા ગામ હીબકે ચડયું: અંતિમવિધિમાં હાજર બન્ને ડે. કલેકટરો, કર્મચારીઓ ગમગીન બની ગયા

રાજકોટ, તા. ૨૨ :. રાજકોટના સીટી પ્રાંત-૨ શ્રી ચરણસિંહ ગોહીલ અને પરિવારને કાળની થપાટે છિન્‍નભિન્‍ન કરી નાખ્‍યો છે. ગઈકાલે અકસ્‍માત બાદ ચરણસિંહના પત્‍ની ચેતનાબેન અને પુત્રી ગરિમાના પાર્થિવદેહને પાલીતાણાના પીઠડીયા ગામે લવાયા હતા અને આજે સવારે અત્‍યંત શોકમય વાતાવરણ વચ્‍ચે બન્નેની અંતિમયાત્રા નિકળી ત્‍યારે સેંકડોની સંખ્‍યામાં હાજર તેમના પરિવારજનો-આખુ ગામ ભાંગી પડયુ હતું.,

સવારે ૭ વાગ્‍યે પત્‍ની અને અત્‍યંત વહાલસોયી દિકરીને અગ્નિદાહ આપવા સમયે ચરણસિંહ ધ્રુસકે ધ્રુસકે રડી પડયા હતા, કોણ કોને સાંત્‍વના આપે ? તેવા દ્રશ્‍યો સર્જાયા હતા.

સીટી પ્રાંત-૨ ચરણસિંહને તેમની ૫ વર્ષની દિકરી ગરિમા અત્‍યંત વહાલી હતી, લોકડાઉનાં તેઓ ઘરે ન જાય ત્‍યાં સુધી પુત્રી જમતી ન હતી. પપ્‍પા આવે પછી જ જમીશ તેવુ રટણ દિકરીનું સતત ચાલુ રહેતું. ચરણસિંહ પણ અનેક વખતક પત્રકારો સમક્ષ પોતાની વહાલી દિકરીના વિડીયો બનાવતા હતા અને દિકરીના વહાલની અનેક વાતો જણાવતા હતા.

અત્રે એ નોંધનીય છે કે ઘટના બની ત્‍યારે ચરણસિંહ પોતે એરપોર્ટ પર ડયુટી ઉપર હતા. મુખ્‍યમંત્રી આવવાના હોય તેમને પ્રોટોકોલ સંદર્ભે ત્‍યાં મુકવામાં આવ્‍યા હતા.

સવારે અગ્નિદાહમાં આખુ પીઠડીયા ગામ હિબકે ચડયુ હતું. અંતિમવિધિમાં હાજર બન્ને ડે. કલેકટરો પ્રિયંક ગલ્‍ચર ્‌ને વિરેન્‍દ્ર દેસાઈ તથા અન્‍ય કર્મચારીઓમાં પણ ભારે ગમગીની છવાઈ હતી.

 

વહાલસોયી જોડી ખંડિત થઈ ગઈ...

રાજકોટઃ રાજકોટના ડે. કલેકટર શ્રી ચરણસિંહ ગોહીલ ઉપર આભ તૂટી પડયુ છે. ગઈકાલે થયેલા ગમખ્‍વાર અકસ્‍માતમાં તેમણે પોતાના ધર્મપત્‍ની ચેતનાબેન અને પુત્રી ગરિમાને ગુમાવ્‍યા છે. તસ્‍વીરમાં ચરણસિંહ અને તેમના પત્‍ની ચેતનાબેન એક વિખ્‍યાત ધાર્મિક સ્‍થળે લેવાયેલ સેલ્‍ફીમાં નજરે પડે છે. આ જોડી હવે ખંડિત બની ગઈ છે. ભારે આઘાત છવાયો છે.

 

(10:27 am IST)