Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

માતાના મઢમાં રાજવી પરિવાર દ્વારા થતી પતરીની વિધિ ન યોજવા બાબતે વિવાદ

કચ્છની ૪૭૦ વર્ષ જુની રાજવી પરંપરા અંગે ટ્રસ્ટ દ્વારા કોરોનાની પરિસ્થિતિ સંદર્ભે પત્ર લખી પતરી વિધિ વિશે ના કહેવાયા બાદ તંત્રને દરમ્યાનગીરી કરવા રજુઆત

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૨: કોરોના મહામારી અંતર્ગત વર્તમાન નવરાત્રિ દરમ્યાન માતાના મઢ મધ્યે દર્શનાર્થીઓ માટે મંદિર બંધ રખાયું છે, પણ ગાઇડલાઇનના પાલન સાથે પરંપરાગત પુજાવિધિ, આરતીની છુટછાટ અપાઈ છે. પણ, હવે પતરી વિધિના મુદે વિવાદ સર્જાયો છે. આ વિવાદ સંદર્ભે રાજવી પરિવાર દ્વારા ભુજ મધ્યે રણજિતવિલાસ પેલેસ મધ્યે પત્રકાર પરિષદ યોજાઈ હતી. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા રાજવી પરિવારને કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ પતરી વિધિની પુજા આરતી શકય ન હોવાનું જણાવાયુ છે. તે પત્રનો વિરોધ કરતાં રાજવી પરિવાર વતી કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજા, તેરા ઠાકોર મયુરધ્વજસિંહ જાડેજા, કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ સાવજસિંહ જાડેજા, એડ્વોકેટ ભરતભાઇ ધોળકિયા, રજનીકાન્ત જોશીએ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત રહ્યા હતા. માતાના મઢ જાગીર ટ્રસ્ટના પત્ર સંદર્ભે વર્તમાન મહારાવ પ્રાગમલજી ત્રીજાએ એમ.એમ. દેવસ્થાન એન્ડ અધર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્ર લખીને જણાવ્યું છે કે, કોરોનાના નિયમો પાળી પરંપરાગત પતરી વિધિ થઈ શકે છે. આ પતરી વિધિ કરવાનો મહારાવને વ્યકિતગત અધિકાર હોઈ ટ્રસ્ટ દ્વારા તેમાં સહયોગ આપવાનો હોય છે. આ પતરી વિધિ કચ્છના લોકોની સુખાકારી માટે હોય છે. જે અટકાવવી યોગ્ય નથી. આ પ્રકારની ગતિવિધિથી એક પરંપરા તૂટશે. જેની ગંભીર અસર લાખો અનુયાયીઓ ઉપર પડશે. કુંવર ઇન્દ્રજીતસિંહ અને તેરા ઠાકોર મયુરધ્વજસિંહ, દેવપર ઠાકોર કૃતાર્થસિંહ જાડેજાએ પણ ૪૭૦ વર્ષથી ચાલી આવતી કચ્છના રાજવી પરિવારની આ પતરી વિધિ સંદર્ભે ટ્રસ્ટના નિર્ણયને દુૅંખદ અને ગેર બંધારણીય ગણાવ્યો છે. આ અંગે તંત્રને પત્ર લખી દરમ્યાનગીરી કરવા જણાવાયું છે. કરણીસેનાના કચ્છના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ પણ રાજયના તમામ મંદિરો નવરાત્રિ દરમ્યાન ખુલ્લા છે ત્યારે માતાના મઢનું મંદિર બંધ રાખવાના જાગીર ટ્રસ્ટના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો છે. તેમ જ પતરી વિધિ યોજવા માટે વહીવટીતંત્રને આવેદનપત્ર આપ્યું છે. પતરી વિધિની ૪૭૦ વર્ષ જુની રાજવી પરંપરા અનુસાર ભુજના દરબારગઢમાથી ચામરયાત્રા સાથે વર્તમાન રાજવી માતાના મઢ પહોંચે છે. જયાં માતાજી આઠમ વિધિના હવન બાદ બીજે દિવસે સવારે મા આશાપુરા પાસે પ્રાતૅંકાળે પૂજાવિધિ કરી પતરીના આર્શિવાદ મેળવે છે. આ આર્શિવાદ કચ્છમાં સારો વરસાદ થાય અને પ્રજાની સુખાકારી માટેના હોય છે.

(12:49 pm IST)