Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

વિસાવદરમાં જૂનવાણી મકાનનો સ્લેબ ધરાશાયી થતા માતા-પુત્રનું કરૂણમોત

પિતા અને અન્ય એક પુત્રને ઈજા :હૉસ્પિટલમાં ખસેડાયાં

જૂનાગઢના વિસાવદરમાં ગઇ કાલે રાત્રીના 9:30ની આસપાસ કાચું મકાન ધરાશાયી થયું હતું. જેમાં ઘટનાસ્થળે જ માતા અને એક પુત્રનું મોત થયું છે. જ્યારે પિતા અને અન્ય એક પુત્રને ઈજા થતા તેઓને વિસાવદર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

 આ અંગે મળતી માહિતી મુજબ, ગઈ કાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ વિસાવદરનાં રેલ્વે સ્ટેશન નજીક આવેલા જીવાજીના ડેલામાં રહેતા દિનેશભાઈ મકવાણાના કાચા મકાનની છત અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. જેથી ધરમાં રહેલા દીવય દીનેશ મકવાણા ઉ. 11 અને તેની માતા રીનાબેન દીનેશભાઈ મકવાણાનું કાટમાળમાં દટાઈ જવાથી મોત નીપજ્યું હતું. જ્યારે દીનેશભાઈ અને તેના મોટા પુત્ર દીપસને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

 

ગત રાત્રીના 108ને આ મામલે ફોન આવ્યો હતો કે, એક કાચું મકાન ધરાશાયી થયુ છે 108ની ટીમ ધટના સ્થળે પહોંચી હતી. ત્યાં ગામલોકોએ કાટમાળ ખસેડતા દીવયનો મૃતદેહ મળી આવ્યો હતો અને સ્થળ પર દીનેશભાઈ મકવાણા અને તેના મોટા પુત્રને માથાના તેમજ પગના ભાગે ઈજા થઈ છે. તે બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

જો કે ત્યાર બાદ દિનેશભાઈના પત્નીનો કોઈ પત્તો નહીં લાગતા ઘરમાં પડેલો બીજો કાટમાળ ખસેડતા રીનાબેન દિનેશભાઈ મકવાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. આમ, કાટમાળ નીચે દટાઈ જવાથી માતા અને એક પુત્રનું કરૂણ મોત નીપજ્યું હતું. જો કે આ ઘટનામાં મકાન કાચું તેમજ વિસાવદરમાં પડેલા અનરાધાર વરસાદને કારણે મકાન ધરાશાયી થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, આ ઘટનામાં 108ની ટીમ દ્વારા મૃતકો તેમજ ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં તેમજ આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:11 am IST)