Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

કોંગ્રેસના કોફિનમાં છેલ્લો ખીલો મારી કબરમાં દાટી દયો

પેટાચૂંટણી જંગ ... પ્રચારના શ્રીગણેશ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી : કચ્છના નલિયામાં જંગી સભાને સંબોધન : કોંગ્રેસીઓ મત માંગવા આવે ત્યારે પુછજો કે કોરોના શિખરે હતો ત્યારે જયપુરમાં શુ કરતા'તા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૨:  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજયની વિધાનસભાનીની આઠ બેઠકોની પેટા ચુંટણીના પ્રચાર અભિયાનનો આરંભ આજે કચ્છના અબડાસામાંથી કરી ભાજપના પ્રચાર અભિયાનનુ બ્યુગલ ફુકયું છે.

આજે સવારે નલીયામા જાહેરસભાને સંબોધન કરતા મુખ્યમંત્રી વિજયભાઈએ પોતાની સરકારે કરેલ કામગીરી, કચ્છને સ્પર્શતા પ્રશ્નો સંદર્ભે ચુંટણીસભામાં વાત કરી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

ખેડુત મતદારો ધરાવતા અબડાસા મત વિસ્તારનાં લોકોને વિજયભાઈએ ખેતરમાં દિવસે લાઈટ આપવાનું વચન આપી ગુજરાતના એક હજાર ગામોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈના હસ્તે આ કાર્યવાહી આરંભાશે એવું જણાવી ૨૦૨૨ સુધીમાં તમામ ખેડુતોને દિવસે વિજળી પુરી પાડવાનું વચન આપ્યું હતું. પોતાની સરકારે ૧૫ હજાર કરોડ રુપિયાનો ખેડૂતોનો પાક ટેકાને ભાવે ખરીધ્યો હોવાની વાત કરી હતી. ભાજપે ખેડુતોને યુરિયા ખાતર સરળતાથી ઉપલબ્ધ કરાવ્યું જયારે કોંગ્રેસના શાસનમાં યુરિયાના કાળા બજાર ચાલતા હોવાનું જણાવી કોંગ્રેસને ખેડુતોના મુદે વાત કરવાનો અધિકાર ન હોવાનું કહી આકરા પ્રહારો કર્યા હતા. કચ્છને સ્પર્શતા નર્મદાના પાણી પ્રશ્ને દર અઠવાડિયે રિવ્યુ મિટિંગ થતી હોવાનું, મીઠા પાણી માટે દરિયાના પાણીને ડીસએલિનેશન કરવા માટેની યોજના વિશે જણાવ્યું હતું.

નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને તેમણે નર્મદા ડેમની ઉંચાઇ વધારવા નિર્ણય કર્યો હોવાનું કહી કોંગ્રેસની સરકારોએ નર્મદાના મુદે કોઈ કામગીરી ન કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે અને ખેડુતો શિયાળુ, ઉનાળુ અને ચોમાસુ પાક લઈ શકે તેવુ આયોજન પોતાની સરકાર કરી રહી છે એવું જણાવી વિજયભાઈએ વિકાસના એજન્ડાને સહકાર આપવા અપીલ કરી હતી.

અબડાસાની બેઠકમાં મુસ્લિમ મતદારોની સંખ્યા વધુ હોઈ વિજયભાઈએ મુસ્લિમ મતદારોને અપીલ કરતા જણાવ્યું હતું કે, કોંગ્રેસે મુસ્લિમ મતદારોનો ઉપયોગ કર્યો છે. ગુજરાતના મુસ્લિમ મતદારો હવે કોંગ્રેસને ઓળખી લે. ભાજપનો એજન્ડા વિકાસ છે. આ વખતે રાજયની આઠે આઠ વિધાનસભા બેઠકોની પેટા ચુંટણીમાં કોંગ્રેસના કોફિનમાં છેલ્લો ખીલો મારી કબરમાં દાટી દેવાની હાકલ સાથે વિજયભાઈએ પોતાના ચુંટણી પ્રચાર અભિયાનને આક્રમક બનાવ્યુ હતું.

કોરોનાના મુદ્દે કોંગ્રેસ દ્વારા કરાતા આક્ષેપનો વળતો વાર કરતા વિજયભાઈએ કોંગ્રેસના ટેકાથી ચાલતી મહારાષ્ટ્રની શિવસેના સરકાર ઉપર નિશાન સાધી ત્યાં કોરોનાથી નીપજેલ મૃત્યુ સંખ્યા અને હોસ્પિટલમાં બેડ નહી હોવા છતાંયે કોંગ્રેસ કેમ ચુપ છે. તેવો સવાલ કર્યો હતો. શાળા ફી માફી ના પ્રશ્ને પણ વિજયભાઈએ કોંગ્રેસને સાણસામાં લેતા સવાલ કર્યો હતો કે, કોંગ્રેસ શાસિત સરકારોમાં કયાંયે ફી માફી કરાઈ નથી. એટલે આ પ્રશ્ને ગુજરાતમાં કોંગ્રેસને બોલવાનો કોઈ અધિકાર નથી.

આજથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પેટાચૂંટણીમાં પ્રચાર શરૂ કર્યો છે. આજે અબડાસાના ઉમેદવાર માટે તેઓએ જાહેર સભા કરી હતી. તેઓએ કચ્છના નલિયામાં જાહેરસભાને સંબોધન કર્યું હતું. અબડાસામાં જાહેર સભા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોવિડ ગાઈડલાઈનનુ ધ્યાનમાં રાખીને જાહેર સભા યોજી હતી. જેમાં બેસવા મટે ખુરશીઓ વચ્ચે અંતર રાખીને બેઠક વ્યવસ્થા કરાઈ હતી. મુખ્યમંત્રી  એ આજે અબડાસાના ઉમેદવાર માટે પ્રદ્યુમનસિંહ જાડેજા માટે મત માંગ્યા હતા. મુખ્યમંત્રીએ કચ્છી બોલીમાં લોકો પાસેથી મત માંગ્યા હતા.

તેઓએ આ સભામાં કહ્યું કે, પ્રદ્યુમનસિંહ પહેલા ભાજપમાં જ હતા અને હવે ઘરે પાછા આવ્યા છે. કોંગ્રેસવાળા પક્ષપલટાની વાતો કરે છે. જયારે પ્રદ્યુમનસિંહ કોંગ્રેસમાં ગયા ત્યારે પક્ષ પલટો નહોતો? ગુજરાતમાંથી ભય, ભૂખ, ભ્રષ્ટાચાર તો દૂર થયો છે. હવે કોરોનાનો ભય અને રોગ દૂર થાય તેવી માં આશાપુરાને પ્રાર્થના. સભામાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, કોંગ્રેસના લોકો મત માંગવા આવે ત્યારે પૂછજો કે કોરોનાકાળમાં જયપુરમાં શું કરતા હતા. દારૂ પીને સ્વિમિંગ પુલમાં ધુબાકા મારતા હતા. બનાસકાંઠામાં પૂર આવ્યું ત્યારે પણ ધારાસભ્યોને રિસોર્ટમાં લઈ ગયા હતા. કોરોના મામલે રાજકારણ કરતી કોંગ્રેસના સમર્થનવાળી મહારાષ્ટ્ર સરકારે હાથ ઊંચા કરી દીધા છે. કોંગ્રસશાસિત એક રાજય બતાવો જયાં ૨૫ ટકા ફી માફીની રાહત વાલીઓને મળી હોય. કોંગ્રેસ ખોટી કાગારોળ મચાવે છે. કોંગ્રેસ શાસિત રાજયોમાં ખેડૂતો માટે કયા સારા કામ થયા એ બતાવો તો ખરા. દરિયાનું ખારું પાણી મીઠું કરીને કચ્છમાં પહોંચાડીશું. કચ્છના લોકો ડોલરમાં કમાણી કરે તેવું આયોજન કરી રહ્યા છીએ. કચ્છમાં દુષ્કાળ ભૂતકાળ બને તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે કે, કોંગ્રેસને જવાબ આપે. કોંગ્રેસે મુસ્લિમ સમાજને ફકત મતબેંક સમજી છે. મુસ્લિમો ગરીબ રહે તેવા જ કામ કર્યા છે. આ વખતે અબડાસાના મુસ્લિમો ભાજપને મત આપીને આખા રાજયના મુસ્લિમ સમુદાયને મેસેજ આપે.

મુખ્યમંત્રી રૂપાણીએ કોંગ્રેસ પ્રમુખ અને નેતા વિપક્ષ પર પણ નિશાન સાધ્યુ હતું. તેઓએ કહ્યું કે, વિશ્વાસદ્યાતની વાત કોંગ્રેસને શોભતી નથી. આ ધારાસભ્યો રાજીનામાં આપીને ફરી પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. કોંગ્રેસના ડબલ સ્ટાન્ડર્ડ છે, શંકરસિંહ વાઘેલાને ભાજપમાંથી લઈ જઈને પ્રમુખ બનાવ્યા ત્યારે વિશ્વાસઘાત નહોતો. કોંગ્રેસ પ્રમુખને વિશ્વાસઘાતની વાતો શોભતી નથી. વિપક્ષ નેતા કહે છે ગાંડો ચાલશે પણ ગદ્દાર નહિ. એટલે શું એ બધા ગાંડાને ટિકિટ આપે છે. લોકોને પણ ખબર પડી ગઈ છે કોંગ્રેસની નેતાગીરી ગાંડી થઈ ગઈ છે. અમે તમામ ૮ બેઠકો જીતીશું. છેલ્લા ૩ વર્ષમાં કોંગ્રેસના ૧૫ ધારાસભ્યોએ પક્ષ છોડ્યો છે. એટલે કે તેમના પ્રમુખ પોતાના ધારાસભ્યોને સાચવવામાં નિષ્ફળ ગયા છે.

આ જાહેરસભામાં પ્રદેશના આગેવાનો કે.સી. પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, સાંસદ વિનોદ ચાવડા, રાજયમંત્રી વાસણ આહિર, જિલ્લા પ્રમુખ કેશુભાઈ પટેલ, ઉમેદવાર પ્રધ્યુમનસિંહ જાડેજા કચ્છ ભાજપના સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા મીડીયા ઇન્ચાર્જ ઘનશ્યામ રસિકભાઈ ઠક્કર અને સત્વિકદાન મહેશભાઇ ગઢવી સહિત અન્ય કાર્યકરોએ સંભાળી હતી.

(3:09 pm IST)