Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગોંડલના સુલતાનપુરના ખેડૂતે બટેટાનું વાવેતર કરી બતાવ્યું

બટેટાના વાવેતરથી માત્ર ત્રણ માસમાં દોઢ લાખનો નફો થશે તેવી ખેડૂતને આશા

 (જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૨૩ :  ગોંડલ પંથકના ખેડૂતો પેઢીગત વાવેતરથી કંઈક અલગ જ વાવેતર કરી નવા ચીલા ચીતરી રહ્યા છે આ પંથકના ખેડૂતો આયુર્વેદિક ઔષધિઓ, વિવિધ ફૂલો, ફળો, સ્ટ્રોબેરી સહિતના વાવેતર કરી પોતાની આવક બમણી કરી રહ્યા છે ત્યારે સુલતાનપુર ના ખેડૂતે બટેટા નું વાવેતર કરી ઉમદા ઉપજ મેળવી ખેડૂતો માટે પ્રેરણારૂપ કાર્ય કરી બતાવ્યું છે.

ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામે રહેતા અને ખેતીકામ કરતા તુલસીભાઈ અરજણભાઈ ગોંડલીયા ઉંમર વર્ષ ૫૦ એ ગોંડલ અક્ષર મંદિરના આરુણી ભગત સ્વામીના માર્ગદર્શન થી ડીસા વિસ્તારમાંથી બટેટા નું બિયારણ મેળવી પોતાના વાડીના એક વીઘા જેટલા વિસ્તારમાં વાવેતર કર્યું હતું આ બટેટાના વાવેતર ને એસી દિવસ જેવો સમય થતાં બટેટા પાક ઉપર આવી જવા પામ્યા છે એક વીઘા એ ૩૦૦ મણ બટેટાની ઉપજ થવાની આશા સેવી રહ્યા છે

તુલસીભાઈ એ રૂપિયા ૫૦ ના કિલો લેખે ૩૫ મણ બટેટા નું બિયારણ ખરીદી કર્યું હતું જેમાં તેને રૂપિયા ૩૫૦૦૦ જેવો ખર્ચ થયો હતો વાવેતર બાદ દર પંદર પંદર દિવસે વાવેતરમાં મચ્છી ન થાય તે માટે ગાંગડા હિંગ નું દ્રાવણ, ટપક પદ્ધતિથી ગૌમૂત્ર અને ખાટી છાશનો છટકાવ કરવામાં આવ્યો હતો તુલસીભાઈ બટેટાના ત્રણ માસના વાવેતરથી આશરે રૂપિયા દોઢ લાખની આવકની આશા સેવી રહ્યા છે અને આ વાવેતર ના માર્ગદર્શન માટે અન્ય ખેડૂતોને આવકારી પણ રહ્યા છે.

(11:38 am IST)