Gujarati News

Gujarati News

News of Saturday, 23rd January 2021

ગીરના ચીખલી ગામે બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા ખળભળાટ : તંત્રમાં દોડધામ

ઉનાના ચીખલી ગામે 18 મરઘાના શંકાસ્પદ મોત બાદ ભોપાલ સેમ્પલ મોકલતા રિપોર્ટ બર્ડફલુ પોઝીટીવ

ગીર સોમનાથમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ સામે આવતા તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. તંત્ર દ્વારા આસપાસના તમામ વિસ્તારોમાં પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યું છે અને કલેક્ટર દ્વારા સંબંધિત વિસ્તારોમાં જરુરી પગલા ભરવા આદેશ આપી દીધા છે. વહીવટી તંત્ર અને જુદી જુદી ટીમો દ્વારા ત્વરીત પગલા લઈ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવતા આજુબાજુ 1 કિ.મી. ત્રિજ્યામાં આવેલ 4 મરઘા ફાર્મમાં રહેલા 220 મરઘાને દફનાવામાં આવ્યા હતા અને દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

ચીખલી ગામમાં 13 દિવસ પહેલા 18 મરધાઓના શંકાસ્પદ મોત થયા હતા, જેથી તંત્ર દ્વારા બીમાર અને તંદુરસ્ત મરધાઓના સેમ્પલ લઈ ભોપાલ ખાતે એક લેબમાં તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. જો કે, આજે ચીખલી વાડી વિસ્તારમાં મરધા ફાર્મમાં મરધાઓના મૃત્યુ થતા રિપોર્ટ કરવામાં આવ્યા હતા જેથી રિપોર્ટમાં બર્ડ ફ્લૂ આવતા પશુચિકિત્સા અધિકારીની ટીમ, પશુધન નિયામક, રેપીડ રીપોન્સ ટીમ અને આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર જઈ મુલાકાત લીધી હતી. અસરગ્રસ્ત વિસ્તારના 10 કિ.મી.ના ત્રિજ્યાવાળા વિસ્તારને સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ વિસ્તારમા મરઘા, ઈંડા, મરઘાનો અગાર જેવી વસ્તુના ખરીદ/વેચાણ કે ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે.

 

ઉના તાલુકા ચીખલી ગામમાં ભાવેશભાઈ ચુડાસમાનું મરઘી ફાર્મ આવેલું છે. જેમાં 13 દિવસ પૂર્વે જુદા જુદા કારણોસર 100 જેટલી મરઘીઓના મોતનો મામલો સામે આવ્યો હતો. તે સમયે જૂનાગઢથી પશુપાલનના નાયબ નિયામક મોબાઈલ લેબ સાથે ચીખલીના મરઘા ફાર્મ ખાતે પહોંચી તપાસ શરૂ કરી હતી. જેમાં મરઘા ફાર્મમાં બીમારીના કારણે 18 જેટલી મૂરઘીઓના મોત થયા છે જ્યારે થોડા દિવસો પહેલા મરઘા ફાર્મની અંદર શિયાળ ઘૂસી આવી શિકાર માટે મરઘા ઉપર હુમલો કરતા 80 જેટલી મરઘીઓ ઇજાગ્રસ્ત થઇ હતી.

આ ઈજાગ્રસ્ત મરઘીઓનું છેલ્લા થોડા દિવસો દરમિયાન સમયાંતરે મોત નીપજ્યા હોવાનું જણાયું છે. બર્ડ ફ્લૂના મંડરાયેલા ખતરાને ધ્યાને રાખી તકેદારીના ભાગરૂપે મૃત મરઘીઓ સાથે બીમાર અને તંદુરસ્ત મરઘીઓના બ્લડ સેમ્પલ લઇ પરીક્ષણ અર્થે ભોપાલ લેબ ખાતે મોકલવામાં આવ્યા હતા.

ભોપાલ લેબમાંથી ગઇકાલે આવેલ રીપોર્ટમાં જણાવ્‍યા મુજબ પરીક્ષણ દરમિયાન મુરઘીઓના સેમ્પલ બર્ડ ફ્લૂ પોઝિટિવ આવેલ છે. જેના પગલે બર્ડ ફ્લૂ ચેપી રોગ હોવાથી તેનો ફેલાવો વઘે નહીં અને પ્રસરતો અટકાવવા માટે સર્તકતાના ભાગરૂપે ગઇકાલે સાંજે જ જિલ્લા કલેકટરએ ચીખલી વિસ્‍તાર માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરી પોલીસ, પશુપાલન, વન વિભાગ, જિલ્લા પંચાયત અને પાલિકાને સર્તકતાની કામગીરી કરવા આદેશ કર્યો છે.

(10:17 pm IST)