Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સાયલામાં ૧૦ થી ૧૨ દિ'એ પાણી વિતરણ : ઘોડા ગામે પીવાના પાણીના ફાંફા

થોરીયાળી ડેમ છલકાયો પણ ૧૨ કલાક વિજળી મળતા પાણીની ટાંકી નહી ભરાતા ૧૮ હજારની વસ્તીને પાણી પુરૂ પાડી શકાતુ નથીઃ વિરમગામના નળકાંઠા વિસ્તારમાં લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી પહોચતુ નથી : લોકો દુષિત પાણી પીએ છે!

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૨૩ : સાયલા તાલુકાનો થોરીયાળી ડેમ ઓવરફલો થઈ ગયો હોવા છતાં સાયલાવાસીઓને ૧૨ થી ૧૫ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા નિયમીત અને પુરતું પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

હાલ ચોમાસાની સીઝન ચાલી રહી છે અને ભારે તેમજ ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે થોરીયાળી ડેમ ૨૦ ફુટની સપાટી પરથી ઓવરફલો થઈ ચુકયો છે. પરંતુ તેમ છતાંય સાયલાની અંદાજે ૧૮,૦૦૦ જેટલી વસ્તીને ગ્રામ પંચાયત દ્વારા ૧૨ થી ૧૫ દિવસે પાણી આપવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

ડેમમાં પુરતું પાણી હોવા છતાં સાયલાવાસીઓ પાણી માટે ફાંફા મારી રહ્યાં છે જયારે આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ ક્રિષ્નાબેનના જણાવ્યા મુજબ થોરીયાળી ડેમ પર ૨૪ કલાકમાંથી માત્ર ૧૨ કલાક જ વિજપુરવઠો મળે છે જેના કારણે પાણીની ટાંકી ભરાતી નથી અને સાયલાની વસ્તીને પાણી પુરૂ પાડી શકાતું નથી.

આથી જો સાયલાથી સ્પેશ્યલ વિજવાયર નાંખવામાં આવે અને ચોવીસ કલાક વિજપુરવઠો મળી રહે તો સાયલાની પ્રજાને ૮ દિવસે નિયમીત પાણી આપી શકાય તેમ છે.જયારે બીજી બાજુ ગ્રામ પંચાયતના મહિલા સદસ્ય પીનલબેન દવેએ લોકોના હિતને ધ્યાને લઈ આકરા પ્રહારો કર્યા હતાં અને જણાવ્યું હતું કે હજુ થોડા દિવસો પહેલા જ ૧૪મા નાણાપંચની ગ્રાન્ટમાંથી સાયલાને ટુંકા દિવસોમાં પાણી મળી રહે તે માટે અંદાજે રૂ.૩.૨૦ લાખના ખર્ચે બે નવી મોટરનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

પરંતુ તેમ છતાંય પરિસ્થિતિમાં કોઈ જ સુધારો આવ્યો નથી આમ ખુદ ગ્રામ પંચાયતના સદસ્ય દ્વારા જ ઉગ્ર રજુઆતો કરતાં ચકચાર મચી જવા પામી હતી. આમ સાયલાનો થોરીયાળી ડેમ ભરેલો હોવા છતાં ૧૨ થી ૧૫ દિવસે પાણી મળતાં લોકો સહિત મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર દ્વારા નિયમીત પાણી આપવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

અતિ પછાત ગણાતા નળકાંઠા વિસ્તારમાં પીવાના પાણી માટે લોકો ફાંફાં મારી રહ્યા છે વાત છે વિરમગામ તાલુકાના નળકાંઠાના દ્યોડા ગામની દ્યોડા ગામમાં પીવાના પાણીના બે કુવા આવેલા છે પરંતુ છેલ્લા દ્યણાં વર્ષોથી પીવાના પાણીના કૂવામાં ગંદકી અને દૂષિત પાણીને લઈને ગ્રામજનો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે.

બીજી વાત વિરમગામ તાલુકાના આસલપુર ગામથી હાસલપુર હેડ વર્કસ પીવાના પાણીની નળકાંઠાની લાઈનમાં તાજેતરમાં બે થી ત્રણ ભંગાણ સર્જાતા ગામમાં પીવાનું પાણીપહોંચતું ન હોવાને લીધે ગ્રામજનોપીવાના પામી માટે વલખા મારી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિરમગામ તાલુકાના નળકાંઠાના આ ગામમાં વર્ષ ૨૦૦૮માં દુષિત પાણી પીવાને લઈને પાંચ દિવસમાં લોકોના મૃત્યુ નિપજયા હતા.

ગતિશીલ ગુજરાતના સ્લોગનના બણ્ગાં ફૂંકતી રાજય સરકાર ભલે ગમે તેવા દાવા કરતી હોય પરંતુ વિરમગામના પછાત એવા નળકાંઠા વિસ્તારમાં નજર કરીને જોવે તો ગ્રામ વિસ્તારમાં અનેકવિધ સમસ્યાઓ બંધ જોવા મળી રહી છે પરંતુ જાણે ચૂંટાયેલા સદસ્યો નેતાઓ કે અધિકારીઓનું પેટનું પાણી ન હતું હોય તેમ અતિ પછાત નળકાંઠા વિસ્તારમાં વર્ષોથી અનેક ગામમાં વિવિધ સમસ્યાઓનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. હાસલપુર પાણી લીકેજ હોવાના કારણે પાણી પહોંચતું નથી તથા આસલપર ગુ્રપ ડી.એમ.એમ. પાઇપ લીકેજ હોવાના કારણે તમારા વિના દ્યોડા ગામે પાણી પહોંચતું નથી.

(11:36 am IST)