Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની વાતનું સમર્થન કરતા મુખ્યમંત્રી

સાવરકુંડલા તા. ૨૩ : કોરોના મહામારી અંગેના પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા દરીયાપુરના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે આજના સંજોગો અસામાન્ય છે કેમ કે માનવીને આપણે જીવનમાં કયારેય આટલો નિસહાય જોયો નથી. કોરોના સમયમાં પરિસ્થિતિ એવી જોઈ છે કે લોકો નાણાની બેગ લઈને ફરતા હતા કે અમને પ્રાઈવેટ હોસ્પિટલમાં એડમીશન મળી જાય પણ એ મળતું ન હતુ. પરંતુ ભગવાને આપણને બધાને બતાવી દીધું છે કે આપણા પૈસા, આપણી સત્ત્।ા, આપણા જે કાંઈ સંશાધનો હોય એ કુદરતના પ્રકોપની સામે નકામા છે. આજે કુદરતની માણસના કુકર્મો સામે સખત નારાજગી છે, એક તરફ કોરોનાનો કહેર હોય, બીજી તરફ વાવાઝોડા હોય, ત્રીજી તરફ ધરતીકંપ હોય અને ચોથી તરફ લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો ત્યાં હોસ્પિટલમાં પણ સળગી જાય છે. આ બધા કુદરતમાં પ્રકોપ છે તેવી પ્રતિતિ થાય છે. બીજી બાજુ તમામ મંદિરો બંધ હોય, તમામ મસ્જીદો બંધ હોય, મક્કા બંધ, મદીના બંધ, તમામ ધાર્મિક સ્થાનો બંધ હતા. આ સમય કુદરતને રાજી કરવાનો સમય છે. ત્યારે રાજકીય ટીક્કાઓ કર્યા સિવાય આરોગ્ય વિભાગ અને કોરોના વોરીયર્સે કોરોના મહામારીમાં કામ કર્યું છે તેને અંતઃકરણપુર્વક સલામ કરૃં છું. કોરોના વોરીયર્સ પોલીસ હોય, ડોકટર્સ હોય, પેરામેડીકલ સ્ટાફ હોય, પોલીસ હોય, સફાઈ કામદાર, ખાસ કરીને સરકારી હોસ્પિટલના સંચાલકો, ડોકટરોએ મહામારીના સમયમાં પોતાના જીવના જોખમે લોકોને સેવાઓ આપી અને એનાથી અનેક લોકોના જીવને નવજીવન મળ્યું છે.

તમામ પ્રાઈવેટ હોસ્પિટલ અને ડોકટરોની સાથે મુસ્લીમ સમાજના જે પ્રાઈવેટ ડોકટરો ગરીબ લોકોની પડખે ઉભા રહયા નથી તે દુઃખદ બાબત છે. પ્રાઈવેટ ડોકટરોએ જે પરિસ્થિતિનું નિર્માણ કયું છે, ગરીબ લોકોના ટેકસના નાણાથી ભણ્યા, ગરીબોના શરીર ઉપર પ્રશિક્ષણ કરીને ડોકટર બન્યા તેમ છતાં મહામારીમાં તેઓની ફરજ બજાવવામાં ચુક કરી ગયા છે.

ગ્યાસુદ્દીન શેખે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને રા.ક. ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાનો આભાર વ્યકત કરતાં જણાવ્યું હતું કે અમદાવાદમાં અને ખાસ કરીને મુસ્લીમ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણનું વાતાવરણ હતું ત્યારે અમને સામેથી ફોન કરીને પુરો સાથ અને સહકાર આપ્યો છે અને મને અને ઈમરાન ખેડાવાલાને સામેથી બોલાવીને અમારી સાથે ચર્ચા વિચારણા પણ કરી છે.

મુખ્યમંત્રીશ્રીએ પ્રત્યુતરમાં ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની વાતનું સમર્થન કર્યું હતું કે કોરોનાએ હિન્દુ-મુસ્લીમ કે ભાજપ-કોંગ્રેસનો પ્રશ્ન નથી, કોરોનાએ તમામ પક્ષના અને તમામ સમાજના લોકોને સંક્રમિત કર્યા છે. મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે મેં સામેથી ગ્યાસુદ્દીન શેખ અને શ્રી ઈમરાન ખેડાવાલા સહિત કોંગ્રેસના ધારાસભ્યો સાથે કોરોના બાબતે ચર્ચા કરીને ખબર અંતર પુછયા છે.

અંતમાં ગ્યાસુદ્દીન શેખે કોરોના પર કાબુ મેળવવા દરેક જીલ્લામાં પ્રભારી મંત્રીની નિમણુંક કરીને, એગ્રેસીવ ટેસ્ટીંગ કરવાની માંગણી કરી છે.

(12:45 pm IST)