Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સાયલાના ઢેઢૂકી ગામના ખેડૂતનો પાક નિષ્ફળ જતા આપઘાત

૧૦ વિઘામાં તલ અને અન્ય પાકોનું વાવેતર કર્યું હતું : વ્યાપક ચર્ચાઓ : ચાર જ દિવસમાં બે ખેડૂતે જીવ દીધો

વઢવાણ તા. ૨૩ : સાયલા તાલુકાના ઢેઢુકી ગામે રહેતાં અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતાં ખેડુત ચંદુભાઈ હેમંતભાઈ ખમાણી ઉ.વ.૨૫વાળાએ પોતાના ખેતરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતાં મોત નીપજયું હતું. જે અંગેની જાણ થતાં ખેડુતો સહિત પરિવારજનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતાં અને ગામના સરપંચ સહિતના આગેવાનોને જાણ કરી હતી અને ખેડુતની લાશનો કબ્જો લઈ પીએમ અર્થે સાયલા સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જયાં ફરજ પરના ડોકટરે ખેડુતને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે પરિવારજનોના જણાવ્યા મુજબ ખેડુત ચંદુભાઈએ પોતાની ૧૦ વીઘા જેટલી જમીનમાં મહામહેનતે તલ સહિતના પાકોનું વાવેતર કર્યું હતું અને સારો પાક થવાથી ફાયદો થવાની આશાઓ બાંધી હતી પરંતુ સમગ્ર જિલ્લા સાથે સાયલા તાલુકામાં પડેલ ભારે વરસાદને કારણે અતિવૃષ્ટિ થતાં ખેડુતે મહામહેનતે કરેલ તલના પાક પર પાણી ફરી વળતાં મોટાપાયે નુકશાની પહોંચી હતી અને જેના કારણે છેલ્લા ઘણા દિવસોથી ખેડુત ગુમસુમ અને નિરાશ રહેતો હતો જેને પગલે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની આશંકાઓ વ્યકત કરી હતી. જો કે પોલીસ તપાસ બાદ જ આત્મહત્યા પાછળનું સાચું કારણ બહાર આવશે જયારે સાયલા તાલુકામાં છેલ્લા ચાર દિવસમાં એક જ ગામના બે ખેડુતોએ પાક નિષ્ફળ જતાં આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ નબળી બની

સમગ્ર ગુજરાતમાં બીજા વર્ષે પણ અવિરત વરસાદના પગલે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાની સર્જાઇ જવાનો વારો આવ્યો છે. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૬૦ ટકા કરતાં પણ ચાલુ વર્ષે વધુ વરસાદ ખાબકતા જિલ્લાના ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ જવા પામ્યા હતા અને ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ગરકાવ બનતા બળી જવા પામ્યા હતા ત્યારે સતત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને બીજા વર્ષે પણ અતિવૃષ્ટિનો માર સહન કરવાનો સમય આવ્યો છે.

આગળના વર્ષે પણ અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઊભા રહી ગયા હતા જે નો પાક વીમો હજુ સુધી સરકાર કે વીમા કંપનીઓ દ્વારા આપવામાં ખેડૂતોને ન આવતા હાલમાં ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ નબળી બની છે ત્યારે બીજી તરફ જિલ્લાના ખેડૂતો ને ગ્રામ્ય વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર જિલ્લામાં આવવા માટેનું બસ ભાડું પણ ન હોવા નો ખેડૂત આગેવાન રામકુભાઈ કરપડા જણાવી રહ્યા છે.

ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ બની હોવાના પગલે જિલ્લાના ખેડૂતો એક પછી એક રીતે આત્મહત્યા કરી રહ્યા છે અને પોતાની જિંદગી ટૂંકાવી રહ્યા છે સરકાર સમક્ષ હાલમાં ખેડૂત આગેવાનો માંગ કરી રહ્યા છે કે આગળના વર્ષ પાક વીમો ખેડૂતોને ચૂકવી અને ખેડૂતોની જિંદગી બચાવી લેવામાં આવે અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં એક જ ગામના બે ખેડૂતોએ આર્થિક પરિસ્થિતિ નબળી બનતા આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો છે. જેના કારણે ખેડૂતોમાં હાલમાં સરકારની કુટ નીતિ સામે રોષ વ્યાપી જવા પામ્યો છે..

બીજા વર્ષે અતિવૃષ્ટિ અને સર્વે કરી સહાય ચૂકવવામાં સરકારના ઠાગાઠૈયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બીજા વર્ષે પણ ૧૬૦ ટકા વરસાદ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકયો છે જેના પગલે ખેડૂતોની ખેતીને ભારે નુકસાન થયું છે અને ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ગરકાવ થવાના પગલે બળી જવા પામ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પછી એક ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કથળી બનતા હાલમાં ખેડૂતો આત્મહત્યાનો માર્ગ અપનાવી રહ્યા છે તે છતાં પણ હજુ સુધી સરકાર આ બાબતે જાગૃત બનતી ન હોવાનું હાલમાં સ્પષ્ટ વર્તાય રહ્યું છે.

સરકાર આ બાબતે જાગૃત બની આગામી સમયમાં આગલા વર્ષનો જે બાકી વીમો છે તે તાત્કાલિક ચુકવણી કરી અને આ વર્ષે જે અતિવૃષ્ટિના પગલે ખેતીને જિલ્લામાં નુકસાન છે. તેનો સર્વે કામ હાથ ધરીને ખેડૂતોને મળતી સહાય તાત્કાલિક ધોરણે ચુકવે તેવી જિલ્લાના ખેડૂતો હાલમાં માંગ કરી રહ્યા છે.

(2:46 pm IST)