Gujarati News

Gujarati News

News of Friday, 23rd October 2020

મજૂરોની અછત સર્જાતા હળવદ યાર્ડમાં કપાસની આવક બંધ

રવિવારે બપોરે ૩ વાગ્યા પછી કપાસની આવક પુનઃ ચાલુ કરાશે : કાલે નવરાત્રીની આઠમ હોવાથી યાર્ડ બંધ રહેશે

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૨૩: હળવદ માર્કેટ યાર્ડમાં હાલ કપાસ અને મગફળીની આવકમાં દિવસેને દિવસે વધારો થતો જોવા મળી રહ્યો છે જેની પ્રમાણમાં મજુર બહુ ઓછા હોય સાથે આગામી તારીખ ૨૪ને શનિવારે નવરાત્રીની આઠમ હોય જેથી માર્કેટયાર્ડ આઠમના દિવસે બંધ રહેનાર હોય જેને લઇ આજથી હળવદ માર્કેટ યાર્ડ માં રવિવારના બપોરના ત્રણ વાગ્યા સુધી કપાસની આવક બંધ કરવામાં આવી હોવાનું હળવદ માર્કેટ યાર્ડ દ્વારા જણાવાયું હતું.

હાલ હળવદ યાર્ડમાં કપાસ અને મગફળીના ગંજ ખડકાયેલા છે સાથે જ કોરોનાની મહામારી ને લઇ જે મજૂરો પોતાના વતન ગયા હતા તે હજુ સુધી મોટાભાગના પરત ફર્યા નથી જેને લઇ માર્કેટયાર્ડમાં કપાસ અને મગફળી લઈ આવતા ખેડૂતોને હરાજી થવામાં વિલંબ થતો હોય છે સાથે જ વ્યવસ્થા ન જળવાતી હોય વળી પાછું ગમે ત્યારે કમોસમી વરસાદ પણ ખાબકે છે જેથી ખેડૂતોનો માલ યાર્ડમાં આવ્યા પછી પડ્યો ન રહે અને તેની તાત્કાલિક આ હરરાજી થઈ જાય જેને લઈ માર્કેટયાર્ડ દ્વારા આવતીકાલ શુક્રવાર અને શનિવારે તો નવરાત્રીની આઠમ હોવાથી માર્કેટ યાર્ડ બંધ રહેશે જેથી કપાસ લઈ આવતા ખેડૂતોને રવિવારે બપોરે ત્રણ વાગ્યા પછી આવવા માટે જણાવાયું છે જેથી ત્યાં સુધી માર્કેટયાર્ડમાં કપાસની આવક બંધ રાખવામાં આવી છે.

સાથે જ સોમવારથી માર્કેટયાર્ડમાં રાબેતા મુજબ હરરાજીનું કામકાજ ચાલુ કરવામાં આવશે તેમ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલએ જણાવ્યું હતું.

(10:09 am IST)