Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

મોરબી : માછીમારોની યોજના અંગે માહિતી અપાઇ

મોરબીઃ મોરબી મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત યોજાયેલ પરિસંવાદમાં મોરબી-માળીયા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાની હેઠળની રાજય સરકારનો ઉદ્દેશ યોજનાઓના લાભાર્થીઓને સીધો જ લાભ આપવાનો છે. રાજય સરકાર મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ યોજનાઓ થકી માછીમાર પરિવારોના ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ છે. ઝીંગા ઉછેર માટે માછીમાર પરિવારોને યોગ્ય માર્ગદર્શન અને સહાય મળી રહે તે માટે ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજાએ માછીમાર પરિવારો સાથે સંવાદ કરી સમસ્યાઓ અંગે માહિતી મેળવી સમસ્યાઓના ઉકેલ માટે ખાતરી આપી હતી. આ પ્રસંગે રહેલા હળવદ પ્રાંત અધિકારી ગંગાસિહે માછીમારોને નડતા પ્રશ્નો અંગે મત્સ્ય ઉદ્યોગ વિભાગને સુચના આપી તત્કાલ નિકાલ લાવવા સુચના આપી હતી. આ સાથે જ માછીમારોને લગતી યોજનાઓની પત્રિકાઓ છેવાડાના ગામો સુધી પહોંચાડીને માછીમારોને માહિતગાર કરવા પર ભાર મુકયો હતો. લાલબાગ તાલુકા સેવાસદનના મિટીંગ હોલમાં  પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત યોજાયેલ પરિસંવાદના પ્રારંભે મોરબી મત્સ્ય અધિક્ષકશ્રી રામાણી દ્વારા મહેમાનોનું સ્વાગત કરી માછીમારોને વિવિધ યોજના વિશે માહિતગાર કર્યા હતા. આ પરિસંવાદમાં મોરબી જિલ્લાના વિવિધ સ્થાનોમાંથી આવેલ માછીમાર પરિવારોએ ભાગ લીધો હતો. માછીમારોને યોજના અંગે માહિતી અપાઇ તે તસ્વીર.

(9:57 am IST)