Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

જામકંડોરણા પંથકમાં મોદીજી યુવા સંગઠનના નામ સખી મંડળો સાથે છેતરપીંડી આચરનાર આરોપી ૩દિ' રીમાન્ડમાં

ધોરાજી,તા. ૨૩:  જામકંડોરણા પંથકની ગરીબ મહિલાઓ પાસેથી સિલાઈ મશીન વિતરણની સ્કીમના નામે મહિલા દિઠ રૂ.૬૫૦ ઉદ્યરાવી અમદાવાદના શખ્સે ઠગાઈ આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. મોદીજી યુવા સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની ઓળખ આપી સ્કીમના ઓઠા હેઠળ અનેક મહિલાઓને શીશામાં ઉતારી નાણા ખંખેરી લીધાનું જાણવા મળ્યુ છે. આ અંગે જામકંડોરણા પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.જામકંડોરણા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ પ્રફુલાબેન લલીતભાઈ દવે (ઉ.૪૮)એ જામકંડોરણા પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અમદાવાદના બાપુનગરમાં ઈલા સોસાયટીમાં રહેતા યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયાનું નામ આપ્યુ છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીને મોદીજી યુવા સંગઠનનો રાષ્ટ્રીય અધ્યક્ષ હોવાની ઓળખ આપી લોકડાઉન પહેલા સિલાઈ મશીન વિતરણની સ્કીમ હોવાનું જણાવી ગરીબ મહિલા લાભાર્થીઓની વિગત મંગાવી ત્યારબાદ સિલાઈ મશીન મંજુર થઈ ગયાનું જણાવી મહિલા લાભાર્થી દીઠ રૂ.૬૫૦ ભરવાનું જણાવતા ફરિયાદીએ લાભાર્થીઓ પાસેથી પૈસા ઉદ્યરાવી કુલ રૂ.૮૭૨૦૦ આરોપીના બેંક ખાતામાં જમા કરાવેલા ત્યાર બાદ અવાર નવાર સિલાઈ મશીન મળી જશે તેવા ઉડાઉ જવાબ આપ્યા હતા અને આરોપીએ ફોન બંદ કરી દેતા છેતરપીંડી થયાની જાણ થઈ હતી તથા આરોપીએ આ સ્કીમ હેઠળ જામકંડોરણાના દડવી અને જસાપરની મહિલાઓ સાથે પણ ઠગાઈ આચર્યાનું જાણવા મળ્યુ છે.આ અંગે જામકંડોરણા પોલીસે પ્રફુલાબેનની ફરિયાદ પરથી આરોપી યુવરાજસિંહ ઉર્ફે રામ જુંજીયા વિરૂધ્ધ રૂ.૮૭,૨૦૦ના ઠગાઈ આચર્યાનો ગુનો નોંધી પીએસઆઈ જે.યુ. ગોહીલે આરોપીની ધરપકડ કરી કેટલી મહિલાઓ સાથે ઠગાઈ આચરી હતી.

આ અંગે પોલીસે આરોપીને કોર્ટમાં રીમાન્ડ માટે રજુ કરતાં આરોપી યુવરાજસિંહ જુંજયાનાં ત્રણ દિવસમાં રીમાન્ડ મંજૂર થયા હતાં.

(11:36 am IST)