Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ઓનલાઇન અભ્યાસ ફાવ્યો ન હોઇ પરિક્ષામાં ઓછા ટકા આવવાના ભયે ધોરણ-૧૨ની છાત્રાનો આપઘાત

મોરબીની કૃપાલી ચાવડા (ઉ.વ.૧૬)એ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૩: ઓનલાઇન અભ્યાસમાં બરાબર સમજાતું ન હોઇ ધોરણ-૧૨માં ઓછા ટકાવારી આવશે, નાપાસ થઇશ એવો ભય ઘર કરી જતાં મોરબીની કૃપાલી ભુપેન્દ્રભાઇ ચાવડા (ઉ.વ.૧૬)એ એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.

મોરબી રણછોડનગર-૧માં રહેતી કૃપાલી ભુપેન્દ્રભાઇ ચાવડા (ઉ.વ.૧૬)એ ગત ૩૧મીએ એસિડ પી લેતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાઇ હતી. ઓપરેશન બાદ રજા અપાતાં પરત મોરબી લઇ જવાઇ હતી. ફરીથી તબિયત બગડતાં થોડા દિવસ પહેલા ફરીથી રાજકોટ દાખલ કરાઇ હતી અને રજા અપાસ હતી. હાલમાં તેણીને ફરી બતાવવા જવાનું હોઇ રાજકોટ મોરબી રોડ સેટેલાઇટ પાર્કમાં રહેતાં માસા જીતેન્દ્રભાઇ એલ. રાજગોરના ઘરે રોકાઇ હતી. અહિ મોડી રાતે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાઇ હતી. પરંતુ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં સ્વજનોમાં ગમગીની છવાઇગઇ હતી.

બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનાર કૃપાલી ધોરણ-૧૨ કોમર્સમાં ભણતી હતી અને ત્રણ બહેનમાં મોટી હતી. તેના પિતા ભુપેન્દ્રભાઇ ગીરધરભાઇ પોર્ટમાં નોકરી કરે છે. માસા જીતેન્દ્રભાઇના કહેવા મુજબ કૃપાલીને ઓનલાઇન અભ્યાસમાં બરાબર સમજ પડી ન હોઇ તેણી આગામી સમયમાં લેવાનારી પરિક્ષામાં ઓછા ટકા આવશે તો, નાપાસ થઇશ તો? તેવો ભય અનુભવતી હતી. આ કારણે તેણે એસિડ પી લીધું હતું. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)