Gujarati News

Gujarati News

News of Sunday, 24th January 2021

જાસૂસ તરીકે પાકિસ્તાનની જેલમાં ૧૨ વર્ષથી કેદ કચ્છના ઈસ્માઈલનો છુટકારો : વાઘા બોર્ડર થી કચ્છના ખાવડા પાસે આવેલા નાના દિનારા ગામે પહોંચશે

(વિનોદ ગાલા દ્વારા)ભુજ : (ભુજ) કુલભૂષણ જાધવની જેમ જાસૂસીના આરોપસર પાકિસ્તાની જેલમાં કેદ ઇસ્માઇલ સમા હવે ૧૨ વર્ષે પોતાના વતન કચ્છ પરત ફરશે. સરહદી વિસ્તાર ખાવડા પાસે આવેલ પોતાના ગામ નાના દીનારાથી ઢોર ચરાવતા ચરાવતા પાકિસ્તાનની હદમાં ઘુસી ગયેલા ઇસ્માઇલ સમા પાકિસ્તાનની રેન્જર ના હાથમાં ઝડપાઈ ગયો હતો. વર્ષ ૨૦૦૮ માં ઝડપાયેલા પશુપાલક એવા ઇસ્માઇલ ને સ્વપ્નમાં પણ કલ્પના નહીં હોય કે તેના ઉપર જાસૂસીનો આરોપ લાગશે અને તેને પોતાનું જીવન જેલની કાળ કોટડીમાં પસાર કરવું પડશે. ઇસ્માઇલ સામે ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સી વતી જાસૂસી કરવાના આરોપ અંગે કેસ ચલાવવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૧૧માં તેને પાકિસ્તાનની કોર્ટે દ્વારા પાંચ વર્ષની સજા પણ કરવામાં આવી હતી. પરંતુ, સજા કાપ્યા પછી પણ ઇસ્માઇલને મુક્ત કરવામાં આવ્યો ન હતો. એટલે, તેના પરિવારજનો, સ્થાનિક સાંસદ વિનોદ ચાવડા સહિત દીનારા ગામના આગેવાનો દ્વારા સતત ભારત સરકારમાં રજૂઆતો કરાઈ હતી. જેને પગલે ભારતીય વિદેશ મંત્રલાયે આ અંગે પાકિસ્તાન સરકાર સમક્ષ ઇસ્માઇલ ને છોડી મૂકવા રજુઆત પણ કરી હતી. જેને પગલે પાકિસ્તાન ઉપર દબાણ આવતા અંતે હવે, કચ્છનાં ઇસ્માઇલને મુક્ત કરવામાં આવ્યો છે.

 ૨૦૦૮ થી સતત બાર વર્ષ સુધી પાકની જેલમાં રહેલા ઇસ્માઇલને સિંધ પ્રાંત સહિત અનેક જગ્યાએ ફેરવવામાં આવ્યો હતો. આઈએસઆઈથી માંડીને પાક આર્મી અને રેંજર્સ દ્વારા તેની ખૂબ જ આકરી કહી શકાય તેવી પૂછપરછ કરવામાં આવી હતી. બાર વર્ષ પાક જેલમાં રહેવાની કારણે ભારત પણ ઇસ્માઇલની બાબતે ચિંતિત છે. એટલે હાલમાં વાઘા બોર્ડરે તેની કડક ચકાસણી કરવામાં આવી રહી છે. જેને પગલે ઇસ્માઇલને કચ્છના પોતાના નાના દીનારા ગામે પહોંચતાં હજુ બે થી ત્રણ દિવસ લાગી શકે છે.

(10:22 am IST)