Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

યોગેન્દ્રસિંહજી રાજાબાવા સહિતના આગેવાનો સરકારી ગાઇડલાઇન મુજબ ધાર્મિકવિધિ કરી શકશે

માતાના મઢ આશાપુરા માતાજી મંદિરે ધાર્મિક વિધિઓનું સવારે ૫ થી ૧ અને બપોરે ૩ થી ૯ સુધી ઓનલાઇન દર્શન : ભાવિકો નિહાળી શકશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : કચ્છ જિલ્લામાં કોરોના મહામારીની વધતી અસર નવરાત્રિની ધાર્મિક ઉજવણી પર પણ પડી છે. ગઈકાલે દયાપર મધ્યે નખત્રાણા પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવતની ઉપસ્થિતિમા બેઠક મળી હતી. જેમાં માતાના મઢ ટ્રસ્ટના પ્રવિણસિંહ વાઢેર, ખેંગારજી જાડેજા, માતાના મઢના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, લખપત મામલતદાર અનિલ સોલંકી, તાલુકા વિકાસ અધિકારી મયુર બાલોટીયા અને અન્ય આગેવાનોની હાજરીમા માતાના મઢનું મંદિર કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને નવરાત્રિ દરમ્યાન દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.

ઘટ સ્થાપન સહિતની પરંપરાગત ધાર્મિક વિધિઓ અને આરતી દરમ્યાન જ મંદિર ખુલશે. પણ, તેમાં દર્શનાર્થીઓને પ્રવેશ નહી મળે. પુજા વિધિ કરનાર પુજારી પરિવાર ઉપરાંત પરંપરા અનુસાર જાગીરના અધ્યક્ષ યોગેન્દ્ર્સિંહજી રાજાબાવા સહિતના મહાનુભાવો કોવિડ ગાઈડ લાઈન અનુસાર ધાર્મિક વિધિ કરી શકશે. મંદિર બંધ રહેશે તે દરમ્યાન દરરોજ સવારે ૫ થી બપોરે ૧ વાગ્યા સુધી, બપોરે ૩ થી રાત્રે ૯ વાગ્યા સુધી દર્શન સાથે આરતી તેમજ પરંપરાગત ધાર્મિક વિધિઓનું www.matanamadh.org  યુ ટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ થશે. માઈ ભકતોને ઓન લાઈન દર્શન કરવા અપીલ કરાઈ છે.

(11:28 am IST)