Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

લીંબડી મિલ કવાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા મહિલાઓએ છાજીયા લીધા

વઢવાણ તા. ૨૪ : લીંબડી શહેરના વોર્ડ નં-૫ના મિલ કવાર્ટરમાં ગટરનું કામ નહીં કરાતા રહીશોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. મિલ કવાર્ટર વિસ્તારમાં રહેતા મહિલાઓ નગરપાલિકાએ ધસી આવી પ્રમુખના નામના છાજીયા લીધા હતા. પાલિકા પ્રમુખે કામ કરવાની બાંયધરી આપતા મહિલાઓનો રોષ શાંત પાડયો હતો.

લીંબડી શહેરના વોર્ડ નંબર-૫દ્ગક્ન મિલ કવાર્ટરમાં છેલ્લા ઘણાં વર્ષોથી ભુગર્ભ ગટરનું કામ થયુ નથી. વિસ્તારમાં બાવળો ઉગી નીકળતાં જીવ-જંતુનો ત્રાસ વધી ગયો છે. ખુલ્લી ગટરના ગંદા અને દુર્ગંધ યુકત પાણીને કારણે મિલ કવાર્ટરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. છતાં સુધરાઈ દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવતો નથી.

ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને ચાલવું પણ મુશ્કેલ બની ગયું છે. પાલિકા પ્રમુખનો વોર્ડ હોવા છતા પાયાગત સુવિધા નહીં મળતા મિલ કવાર્ટરમાં રહેતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. અનેક રજૂઆતો કરવા છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરાતા મિલ કવાર્ટરમાં રહેતા મહિલાઓનું ટોળું નગરપાલિકા કચેરીએ ધસી આવ્યું હતું. પાલિકા પ્રમુખના નામના છાજીયા લીધા હતા.

આ તકે ધીરૂભાઇ દલવાડી (પ્રમુખ નગરપાલિકા લીંબડી)એ કહ્યું હતું કે, મિલ કવાર્ટરમાં ગટરનું કામ કરવાનું જ છે. ગટરના કામ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ. પરંતુ વન ટેન્ડર આવતા ખોલવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં બીજીવાર ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારબાદ મિલ કવાર્ટર વિસ્તારમાં ગટરનું કામ શરૂ કરવામાં આવશે. બાવળોનું કટીંગ થોડા દિવસમાં ચાલુ કરી દેવામાં આવશે અને દવાનો છંટકાવ કાલથી શરૂ કરાશે.

(11:47 am IST)