Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

ઉના જેલમાં હત્યા અને અપહરણના આરોપીને તમામ સુવિધા અંગે તપાસ કરી પગલા લેવા માંગણી

અમીત જેઠવા હત્યા કેસના સાક્ષી ધમેન્દ્રભાઇ ગોસ્વામી દ્વારા ડીજીપીને રજૂઆત

(નીરવ ગઢિયા દ્વારા) ઉના, તા.ર૪: ચકચારી અમીત જેઠવા હત્યા કેસના સાક્ષી અને અહેમદપુર માંડવીના રહેવાસી ધર્મેન્દ્રભાઇ બી. ગોસ્વામીએ ડીજીપી ગાંધીનગરને લેખિત રજૂઆત કરીને હત્યા અને અપહરણના ગુન્હાના આરોપી અને હાલ ઉના જેલમાં રહેલ ઉસ્માન મોહમદ હુસેન કાજીને જેલમાં તમામ મળતી સુવિધા અંગે તપાસ કરી પગલા લેવા માંગણી કરી છે.

ડીજીપીને રજુઆતમાં ધર્મેન્દ્રભાઇ ગોસ્વામીએ જણાવેલ કે હાલ ઉના જેલમાં રહેલ આરોપી ઉસ્માન મોહમદ હુસેન કાજીને તેને આચરેલા ગુન્હા સબબ નાર્કોટેસ્ટ માટે ગાંધીનગર લઇ જવામાં આવેલ ત્યારે ર કોન્સ્ટેબલ અને એક હેડ કોન્સ્ટેબલ સાથે ગયેલ, પરંતુ કોઇપણ યુનિફોર્મ કે જાપ્તાના નિયમ પાળેલ નથી  અને સરકારી ગાડીનો ઉપયોગ કરેલ નથી. ગેરકાયદેર સુવિધા સાથે આરોપીને ગાંધીનગર નાર્કોટેસ્ટ માટે લઇ ગયેલ. આરોપી ઉસ્માન મોહમદ હુસેન કાજી ભૂતકાળમાં રાજયમંત્રી પુરૂષોતમભાઇ સોલંકીના જમાઇ અને ઉના પાલિકાના સભ્યનું સને ર૦૦૭માં ખુન કરેલ હતું.

ડીજીપીને રજુઆતમાં ધર્મેન્દ્રભાઇ ગોસ્વામીએ જણાવેલ કે આરોપી ઉસ્માન મોહમદ હુસેન કાજી મારા પુત્રનું પણ ભૂતકાળમાં અપહરણ કરી ગયેલ હતો. આરોપીને જેલમાં તમામ સુવિધા અપાતી હોય તેની તપાસ કરી પગલા લેવા માંગણી કરવામાં આવી છે.

(11:49 am IST)