Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

કચ્છમાં લોકોની સલામતી માટે લોકડાઉન, રાત્રિ કર્ફ્યુ લાગુ કરવા સુચન : કચ્છમાં કોરોનાની વકરતી સ્થિતિ બાબતે મુખ્યમંત્રી વિજયભાઇને ભાજપના આગેવાન તારાચંદ છેડાએ લખ્યો પત્ર

(ભુજ) કચ્છમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે અને હજીયે દિનપ્રતિદિન સંક્રમણ વધે તેવી શક્યતા છે. ત્યારે લોકોની સલામતી માટે જરુરી પગલાં ભરવા માટે મુખ્યમંત્રી વિજયભાઇને કચ્છ ભાજપના વરિષ્ઠ આગેવાન તારાચંદભાઈ છેડાએ પત્ર લખ્યો છે. 

      જેમાં તેમણે સુચન કર્યું છે કે, લોકો માસ્ક પહેરતા થાય તે માટે તેમ જ કચ્છમાં વરસાદ પછી લોકો શનિવાર,  રવિવાર સહિત રજાના દિવસો દરમ્યાન તળાવો, ડેમો જોવા મોટી સંખ્યામાં બહાર નિકળી રહ્યા છે. જેના કારણે કોરોનાનું સંક્રમણ વધી રહ્યુ છે.

      આવા સંજોગોમાં શનિવાર અને રવિવારે લોકડાઉન તેમ જ સાંજે ૭ વાગ્યાથી સવારે ૭ વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ કરવામા આવે. આ બાબતે પત્રમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ અનિલભાઈ ગોર દ્વારા વ્યાપારીઓને સહકાર આપવા માટે સમજાવવાની ખાત્રી અપાઈ હોવાનુ પણ જણાવાયું છે. 

    અત્યારે કચ્છમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધ્યા છે ત્યારે સંક્રમણ અટકે અને કોરોનાના કેસ કાબુમાં આવે તે માટે લોકોની સલામતીને લક્ષમાં લઇને યોગ્ય પગલાં ભરવા મુખ્યમંત્રીને સૂચન કરાયું છે. પૂર્વ તારાચંદભાઈ છેડા પૂર્વ રાજ્યમંત્રી પણ રહી ચુક્યા છે. કચ્છમાં આરોગ્ય અને જીવદયા સહિત વિવિધ સેવાકીય ક્ષેત્રે તેમનું નોધપાત્ર પ્રદાન છે.

(8:42 pm IST)