Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

૫૫ વર્ષ જૂનુ ભૂજનું રેડિયો સ્ટેશન બંધ

કચ્છના સરહદી ગામડાઓને ગાજતા રાખનાર રેડિયોના સૂર વિલાશે : લોકોના 'મનમાં ચાલતી વાત' લોકકલા અને સંસ્કૃતિનું જતન કરનાર : યુધ્ધ અને કુદરતી આપત્તિ સમયે લોકોને સાબદા રાખી સેતુ બનનાર રેડિયો ભૂતકાળ બનશે?

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ તા. ૨૪ : આજે શહેર અને ગામડાઓમાં લોકો રેડિયો ઉપર હોંશભેર વડાપ્રધાન નરેન્દ્રભાઈની 'મનકી બાત' કાર્યક્રમ સાંભળીને ફરી એકવાર રેડિયોના જુના જમાનાને યાદ કરે છે. વર્તમાન સમયમાં 'મન કી બાત' અને 'રેડિયો મીર્ચી' જેવા કાર્યક્રમો થકી ટીવી ચેનલો અને વેબ સિરિઝોએ ફેંકેલા પડકારના સંઘર્ષમાથી બહાર નીકળવાનો સામનો કરી રહેલ રેડિયો માટે હવે ટકવું મુશ્કેલ બનતું હોય તેમ એક પછી એક પ્રદેશિક આકાશવાણી કેન્દ્રો બંધ થઈ રહ્યા છે. જેમાં હવે ભુજનો પણ સમાવેશ થતાં ૫૫ વર્ષથી સરહદી ગામડાઓને ગાજતા રાખનાર આકાશવાણી ભુજ કેન્દ્રના રેડિયોના સુર પણ વિલાશે.

ભારત પાકિસ્તાનના ૧૯૬૫ ના યુદ્ઘ દરમ્યાન સરહદી જિલ્લાના મહત્વને ધ્યાને લઈને શરૂ કરાયેલા ભુજના આકાશવાણી કેન્દ્રને બંધ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે. મળતી માહિતી મુજબ પ્રસાર ભારતી દ્વારા રેડિયો પ્રસારણ સેવાને 'ઓપરેટીંગ સ્ટેશન' અને 'કોન્ટ્રીબુટીંગ સ્ટેશન' એમ બે પ્રકારની સેવાઓમાં વિભાજિત કરતાં ભુજ આકાશવાણી કેન્દ્ર હવે માત્ર 'કોન્ટ્રીબ્યુટીંગ સ્ટેશન' તરીકે અમદાવાદ આકાશવાણી કેન્દ્ર હેઠળ કાર્ય કરશે. હવે ભુજ આકાશવાણી દ્વારા સ્વતંત્ર રીતે કોઈ પણ કાર્યક્રમ બનાવીને ફુલ ટાઈમ પ્રસારણ નહી થાય પણ અહી ભુજ કેન્દ્ર દ્વારા દરરોજ માત્ર અડધા અથવા એક કલાકનો કાર્યક્રમ બનાવી અમદાવાદ સ્ટેશનને મોકલવો પડશે. જે અમદાવાદ કેન્દ્ર દ્વારા પ્રસારીત કરાશે.

આ નિર્ણયને પગલે ભુજમાં ટેકિનકલ અને પોગ્રામિંગ એ બન્ને સ્ટાફની સંખ્યા ઘટશે. કચ્છ જેવા સરહદી વિસ્તારમાં રેડિયોની ભુમિકા લોકપ્રહરી તરીકેની રહી છે. આકાશવાણીએ કચ્છની ભાતીગળ લોકકલા અને લોક સંસ્કૃતિનું જતન કર્યું છે, કલાકારોનું 'હીર પાધરૃં કર્યું છે. તો, ૧૯૫૬ના અંજારના ધરતીકંપ, ૭૧ના પાકિસ્તાન સાથેના યુદ્ઘ, ૧૯૯૬ના કંડલાના વાવાઝોડા, ૨૦૦૧ ના ભીષણ ભુકંપ દરમ્યાન રેડિયોએ લોકોને સાબદા રાખી સરકાર, તંત્ર અને લોકો વચ્ચે 'સેતુ'ની ભુમિકા રચી છે. આકાશવાણી ખોટ કરે છે એટલે બંધ કરવાના પ્રસારભારતીનો નિર્ણય ફેરવિચારણા માંગે છે.

(11:56 am IST)