Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

શાપર-વેરાવળમાં કારખાનેદાર રજનીભાઇ નસીત ઉપર બે શખ્સોનો હુમલો...

માટીની ભરતીનું કામ અન્યને આપતા તેનો ખાર રાખીઃ ઢોલરા ગામના અરજણ માટીયા તથા વશરામ માટીયા સામે પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ર૪: શાપર-વેરાવળમાં માટીની ભરતીનું કામ અન્યને આપતા તેનો ખાર રાખી કારખાનેદાર ઉપર બે શખ્સોએ પાઇપ અને પટ્ટાથી હુમલો કર્યો હતો.

મળતી વિગતો મુજબ ખોખડદડ ગામે રહેતા અને શાપર-વેરાવળમાં શીતળા માતાજીના મંદિર પાસે શ્રી ખોડીયાર ઇન્ડસ્ટ્રીઝ નામનું કારખાનું ધરાવતા રજનીભાઇ લીંબાભાઇ નસીતએ અરજણ માટીયા તથા વશરામ માટીયા રે. બંન્ને ઢોલરા સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીને કારખાનામાં માટીની ભરતી નખાવવાની હોય જે બાબતે અગાઉ બંન્ને આરોપીઓ સાથે વાતચીત કરી હતી પણ ભાવ વધારે લાગતા ફરીયાદીએ અન્ય વ્યકિતને માટીની ભરતીનું કામ સોંપતા તે બાબતનો ખાર રાખી આરોપી અરજણ માટીયા એ લોખંડના પાઇપ સાથે તથા વશરામ માટીયાએ વી બેલ્ટ સાથે ફરીયાદીના કારખાનામાં ગેરકાયદેસર ઘુસી જઇ ફરીયાદી રજનીભાઇ ઉપર હુમલો કર્યો હતો તેમજ ઢીકાપાટુનો મારમારી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે ઉકત બંન્ને શખ્સો સામે ગુન્હો દાખલ કર્યો હતો. વધુ તપાસ હેડ કો. એન. એ. ચૌહાણ ચલાવી રહ્યા છે.

(11:49 am IST)