Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

સુરેન્દ્રનગર વેપારીને ધમકી : રૂ. ૪ લાખ આપ નહીંતર તારી પત્નીનો બિભત્સ ફોટો ફરતો કરી દઇશું : પોલીસે કેનાલ પાસે છટકું ગોઠવી ૩ને પકડયા, ૩ ફરાર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૫: સુરેન્દ્રનગર શહેરના વેપારીને ફોન કરી પત્નીનો બીભત્સ ફોટો ફરતો કરવાની ધમકી આપી રૂ. ૪ લાખની માંગણી કરાઇ હતી. આ અંગે વેપારીએ પોલીસને જાણ કરતાં પોલીસે છટકું ગોઠવી નર્મદા કેનાલ પાસેથી ૩ આરોપીઓને ઝડપી લીધા હતાં. જયારે ૩ શખ્સો ફરાર થઇ ગયા હતા.

મહિલાનો ફોટો કોણે પાડ્યો તે અંગે રહસ્ય

સુરેન્દ્રનગરમાં રહેતા વેપારીને ૨૩ના રોજ બપોરે દશરથ કોળી નામના શખ્સે તેમની પત્નીના ફોટા વોટસએપ કરી તરત ડીલીટ મારી દીધા હતા. પછી ફોન કરી બિભત્સ ફોટા ફરતા ન કરવા હોય તો રૂપિયા ૪ લાખ આપવા પડશે તેમ કહ્યુ હતુ. આથી વેપારીએ પોલીસનું શરણુ લીધુ હતુ. જેમાં ફરિયાદીએ કહ્યુ કે, રાતના સમયે દશરથ કોળીએ નર્મદા કેનાલ પર મળવા બોલાવ્યા હતા. આથી એ ડીવીઝન પોલીસ મથકના ડી સ્ટાફના ધનરાજસિંહ વાદ્યેલા, વિજયસિંહ, મુકેશભાઇ, મહાવીરસિંહ, કીશનભાઇ સહિતનાઓ કેનાલ પર થોડા અંતરે છુપાયા હતા.

વેપારી કેનાલ પર આવતા દશરથ કોળી સહિતનાઓએ ફોન પર તેમને ત્રણ ચાર જગ્યાએ ફેરવ્યા હતા. ત્યારબાદ એક જગ્યાએ ઉભા રાખ્યા હતા. વેપારીએ સૌ પ્રથમ ફોટા ડીલીટ મારવાનું કહેતા આરોપીઓએ ફોટા ડીલીટ માર્યા હતા. ખરા સમયે જ પોલીસ ત્રાટકતા આરોપીઓમાં દોડધામ મચી હતી. અને પોલીસના હાથે સૈજાદ મીર, સર્જન ઉર્ફે શીવમ મારવાડી, પૂર્વહીત ઉર્ફે નાનુ મહેતા ઝડપાઇ ગયા હતા.પોલીસે અન્ય આરોપીઓને પકડી પાડવા તપાસ આરંભી છે.

નોંધનીય છે કે, આ પરિણીતાનો બીભત્સ ફોટો કોણે પાડયો તે અંગે હજુ રહસ્ય અકબંધ છે. આરોપીઓ પાસે ફોટો કઇ રીતે પહોંચ્યો તેની તપાસ હાથ ધરાઇ છે.

આરોપી પાસે ફોટો કેવી રીતે આવ્યો?

પોલીસ ફરિયાદમાં નોંધાયેલા ૬ આરોપીઓમાંથી સૌ પ્રથમ ફોટો પૂર્વહીત ઉર્ફે નાનુ રાજુભાઇ મહેતા પાસે આવ્યો હતો. તેણે આ ફોટો સૈઝાદ મીરને આપ્યો હતો. જયાંથી પરિણીતાનો બીભત્સ ફોટો દશરથ કોળી પાસે પહોંચ્યો હતો. આથી દશરથ કોળીને આ ફોટાના પૈસા મળે તેવો વિચાર આવતા આરોપીઓએ સમગ્ર પ્લાનને અંજામ આપ્યો હતો.

ફરાર થયેલા  દશરથ મનોજભાઇ કોળી,  ફરદીન, (ટીબી હોસ્પિટલ પાછળ) અને  દશરથનો ભાઇ ચકો અથવા પકો હોવાનું બહાર આવ્યું છે.

(11:47 am IST)