Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ગોંડલ પંથકમાં લગ્ન માટે ૫૮૪ અરજી : ભાવનગરમાં ગાઇડલાઇનનું પાલન

કોરોના મહામારીના સમયમાં ધોરાજીમાં મામલતદાર અને પાલિકાની મંજૂરી લેવા આદેશ

ધોરાજી : તસ્વીરમાં લગ્ન પ્રસંગ માટે મામલતદાર કચેરીમાં ચર્ચા - વિચારણા કરવામાં આવી હતી. (તસ્વીર : કિશોર રાઠોડ, ધોરાજી)

રાજકોટ તા. ૨૫ : કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગોમાં નિયમોનું પાલન કરવા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ : હાલ ગોંડલ શહેર તાલુકા પંથકમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે સાથે લગ્ન ગાળાની સીઝન છે તેને ધ્યાનમાં રાખી પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ દ્વારા વાડી સંચાલકો સહીત લગ્ન પ્રસંગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓની બેઠક કરી જાહેરનામા તથાં ગાઇડલાઇન અંગે સમજ આપી નિયમોની કડક અમલવારી કરવાં તાકીદ કરી હતી. ગોંડલ છેલ્લા નવ મહિનાથી લગ્નનાં આયોજન બંધ હોય હવે છુટછાટો સાથે લગ્નસરા ખીલી હોય તેમ ગોંડલ પંથકમાં માત્ર બે દિવસમાં લગ્ન આયોજન અંગે ૫૮૪ અરજીઓ નગરપાલિકા અને તાલુકા પંચાયત ને મળી છે. જેમાં શહેરમાં ૨૩૪ તથા તાલુકામાં ૩૫૦ લગ્ન અરજીઓનો સમાવેશ થાય છે.

પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વિવિધ જ્ઞાતિઓની વાડીઓનાં સંચાલકો, પાર્ટી પ્લોટ તથાં મેરેજ હોલ સંચાલકો અને લગ્ન પ્રસંગનાં ધંધાર્થીઓ હાજર હોય સરકારની ગાઇડલાઇન તથાં જાહેરનામાં ની સમજ આપી લગ્ન પ્રસંગમાં સો થી વધું વ્યકિતઓ હાજર નહીં રાખવાં તાકીદ કરી હતી. સાથે સોશ્યલ ડિસ્ટન્સ તથાં માસ્કની અમલવારી કરવાં જણાવ્યું હતું.

બેઠકમાં ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, શહેર તાલુકા મામલતદાર, ચીફ ઓફિસર ઉપરાંત ન.પા કારોબારી ચેરમેન પૃથ્વીસિંહ જાડેજા તથા શાસકપક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : દિવાળીના તહેવારો અને ત્યાર બાદની તાજેતરની સ્થિતિમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. બેદરકારી અને લાપરવાહીને કારણે મહામારી વધુ પ્રસરી છે ત્યારે વર્તમાન સ્થિતિમાં આ વાયરસ મહામારીમાં પુનઃ અનેક લોકો ભોગ બન્યા છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનેક અપીલો અને સમય સમય પરની ગાઈડ લાઈન વચ્ચે સાવચેતી એકમાત્ર ઉપાય છે. કેન્દ્ર સરકાર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને રાજય સરકાર શ્રી વિજયભાઈ રૂપાણી ન નેતૃત્વમાં યોગ્ય કદમ સમય સમય મુજબ ઉઠાવી આ મહામારીના મારને ઓછો કરવાનો કે દેશવાસીઓને બચાવવાનો પ્રયાસ અનેક રીતે કરી રહ્યા છે.

 ત્યારે નવ નિયુકત ભાજપ શહેર અધ્યક્ષ રાજીવભાઈ પંડ્યાએ લોકોને ઉદાહરણ પૂરું પાડતો નિર્ણય કરી તેમના પરિવાર, સ્નેહીજનો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, નાગરિકો તરફથી આપવામાં આવેલ નિમંત્રણોનો સહર્ષ સ્વીકાર કરેલ છે પરંતુ તેઓએ સ્વૈચ્છિક નિર્ણય કરતા સરકારની ગાઈડ લાઈનનું અક્ષરશ પાલન કરતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે એક પણ લગ્ન પ્રસંગે હાજરી આપશે નહી.

ધોરાજી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી : હાલમાં કોરોના મહામારીના સમયમાં ચાર મહાનગરોમાં રાત્રે કર્યું અને અન્ય પ્રસંગો ઉપર પાબંધી લાદવામાં આવી છે ત્યારે ધોરાજી મામલતદારે તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડી ધોરાજી શહેરમાં લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગોમાં સમાજ વાડી પાર્ટી પ્લોટ તેમજ ઘરે પ્રસંગ હોય તો સરકારની ગાઈડલાઈન્સ મુજબ ધોરાજી નગરપાલિકાની પૂર્વ મંજૂરી લેવાની ફરજ પડશે.

ધોરાજીના મામલતદાર કે ટી જોલાપરા એ પરિપત્ર બહાર પાડતા જણાવેલ કે રાજય સરકાર તથા જિલ્લા કક્ષાએથી સૂચના અનુસાર પ્રાંત અધિકારી ધોરાજીના અધ્યક્ષસ્થાને યોજાયેલી મીટીંગ મા થયેલ ચર્ચા અનુસાર આગામી નવેમ્બર ડિસેમ્બર માસમાં શહેર કક્ષાએ યોજાનાર લગ્ન પ્રસંગો કે અન્ય જાહેર પ્રસંગો દરમ્યાન કોવિડ-૧૯ને ફેલાતો અટકાવવા માટે લગ્ન પ્રસંગો અન્ય જાહેર પ્રસંગોના આયોજન તથા પાર્ટી પ્લોટ સમાજ વાળી કોમ્યુનિટી હોલ સંચાલકો દ્વારા સરકાર શ્રી ની સુચના ની ચુસ્તપણે અમલવારી થાય તે માટે શહેરી કક્ષાએ નગરપાલિકા કચેરી દ્વારા ચુસ્તપણે અમલ થાય તે બાબતે કાર્યવાહી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

ઉપરોકત બાબતે ધોરાજી શહેરમાં જાહેરનામાનો ભંગ થશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી પોલીસ કરશે જેથી કરીને ધોરાજીના શહેરીજનોએ અગત્યની નોંધ લેવા સૂચનાઓ આપવામાં આવી હતી.

લગ્ન પ્રસંગ તેમજ અન્ય પ્રસંગો માટે ધોરાજી નગરપાલિકા કચેરી ખાતે ફોર્મ ભરવાનું રહેશે જે અંગે ધોરાજી નગર પાલિકાએ નિયમ અનુસાર ફોર્મ પ્રસિદ્ઘ કરવામાં આવ્યું છે તે ફોર્મ ભરવાનું રહેશે તેમ ધોરાજી મામલતદાર કે.ટી. જોલાપરા એ યાદીમાં જણાવ્યું હતું.

(11:42 am IST)