Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

નિખિલ દોંગાની વધુ રિમાન્ડની માંગણી ફગાવાઇઃ સાતેય શખ્સોને જુદી-જુદી જેલમાં ધકેલાશે

રાજકોટ તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ધાક ધમકીથી જમીન અને ઉઘરાણીના હવાલાનો કાળો કારોબાર જેલમાંથી ચલાવતા કુખ્યાત નિખીલ દોંગા ગેંગના શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરી સાત-શખ્સોની ૧૦ દિવસની રિમાન્ડ પૂર્ણ થતા વધુ રિમાન્ડની માંગ ફગાવી દીધી છે. જયારે સાતેય શખ્સોને અલગ-અલગ જેલમાં ધકેલવાની અરજી મંજુર કરતો હુકમ કર્યો છે.

વધુ વિગત મુજબ અસંગઠીત લોકો દ્વારા ગેંગ બનાવી સમાજમાં ભયનું વાતાવરણ પેદા કરી માલ-મિલ્કત પચાવી પાડતા લોકો સામે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરી ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા આદેશને પગલે રાજકોટ રેન્જ દ્વારા ગોંડલ જેલમાં હત્યાના આરોપસર રહેલા નિખીલ ૧૧૭ ગુના આચરી ઉભેલ કરેલી ગેરકાયદેસર સામ્રાજયને તોડી પાડવા રેન્જ આઇ. જી. સંદીપસિંઘ દ્વારા નિખીલ દોંગાના સાત સાગ્રીતોની ધરપકડ કરી અદાલતે ૧૦ દિવસ રિમાન્ડ આપી હતી.

રીમાન્ડ પૂર્ણ થતા વિજય ભીખા જાદવ, પૃથ્વી યોગેશ જોષી, દર્શન ઉર્ફે ગોલુ પ્રફુલ સાકરવાડીયા, વિશાળ આત્મરામ ભાટકર, અક્ષય ઉર્ફે ગિરી સૂર્યકાંત દુધરેજીયા, દેવાંગ જયંતિ જોષી, અને નરેશ રાજુ સિંધવને વધુ રિમાન્ડ માટે રજૂ કરેલ અને તમામ શખ્સોને અલગ-અલગ જેલમાં મોકલવા અરજી આપી હતી. જેમાં બન્ને પક્ષોની રજૂઆત બાદ ન્યાયધીશ કે. ડી. દવે એ રિમાન્ડ અરજી નામંજુર કરી છે. જયારે જેલ ટ્રાન્સફરની અરજી મંજુર કરી છે.

સરકાર પક્ષે ડી.જી.પી. એસ. કે. વોરા જયારે બચાવ પક્ષે અનિલભાઇ દેશાઇ, કમલેશભાઇ શાહ, ચેતન રાવળ, જીજ્ઞેશ શાહ અને ધવલ પડીયા રોકાયા છે.

(4:08 pm IST)