Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

અંજારના વિજયનગરમાં પોલીસ કર્મચારી વિજયભાઈ ચૌહાણની કુહાડીના ઘા ઝીંકીને કરપીણ હત્યા

સાંજે ઝઘડો થતા ઉશ્કેરાયેલા આરોપીએ પોલીસ કર્મીને કુહાડીના 3 ઘા ઝીકી દીધા: આરોપી સુનીલ નારાણ મહેશ્વરી સાથે ત્રણ-ચાર દિવસ પૂર્વે કોઈ બાબતે ઝઘડો થયો હતો.આજે ફરી ઝઘડો થતા આરોપીએ હત્યા કરી

અંજાર : શહેરના વિજયનગરમાં પોલીસ ક્રમચારીની હત્યાના બનાવને કારણે ચકચાર મચી ગઈ છે. પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા અને મેઘપર બોરીચીમાં રહેતા પોલીસ કર્મચારીની ઘાતકી હત્યા કરવામાં આવતા અંજાર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે.

  મળતી માહિતી પ્રમાણે વિજયભાઈ ચોહાણને કુહાડીના ઘા વીંઝીને હત્યા કરાઈ હતી. સમી સાંજે બનેલા બનાવને કારણે અંજાર પી.આઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થલે દોડી ગયો હતો. બનાવ અંગે પૂર્વ કચ્છ એસ.પી મયૂર પાટીલ સાથે વાત કરતા તેમણે હત્યાની ઘટના બની હોવાનું જાણાવ્યુ હતુ. વધુ વિગત આપતા તેમણે કહ્યુ હતુ કે, હતભાગી વિજય ચૌહાણ પશ્ચિમ કચ્છમાં દયાપર પોલીસ મથકમાં પ્રતિનિયુક્તિથી ફરજ બજાવતા હતા. તેમનું પોસ્ટીંગ માતાનામઢ ચોકીમાં હોવાનું જાણવા મળ્યુ હતુ. વિજયભાઈ અંજારના મેઘપર બોરીચીમાં રહેતા હતા. તેમના અન્ય બે ભાઈઓ પણ પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે. સાંજે અંજારના વિજયનગરમાં એક યુવાન સાથે હતભાગીનો ઝઘડો થયો હતો. જેમા ઉશ્કેરાયેલા આરોપીએ પોલીસ કર્મીને કુહાડીના 3 ઘા ઝીકીને ઢીમ ઢાળી દીધુ હતુ.

  બનાવ અંગે અંજાર પીઆઈ શ્રીજાડેજાએ કહ્યુ હતુ કે, અંજારના વિજયનાગરમાં જૂની કોર્ટ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. જેમા પશ્ચિમ કચ્છમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી વિજય ચોહાણની હત્યા કરાઈ હતી. હત્યા પાછળનું કારણ જણાવતા જાડેજાએ કહ્યુ હતુ કે, આરોપી સુનીલ નારાણ મહેશ્વરી સાથે ત્રણ-ચાર દિવસ પૂર્વે હતભાગીનો કોઈ બાબતે ઝઘડો થયો હતો. તેના મનદુઃખે આજે ફરી સાંજે પાંચેક વાગ્યાના અરસામાં બોલાચાલી થઈ હતી. જેમા ઉશ્કેરાયેલા આરોપીએ હતભાગીને માથામાં કુહાડીનો એક ઘા અને પગમાં બે ઘા મારીને ઘાતકી હત્યા નીપજાવી હતી. બનાવ બાદ અંજાર પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે ધશી ગયો હતો. મૃતક વિજય ચોહાણના મૃતદેહને પીએમ માટે અંજારની રેફરલ હોસ્પિટલમાં ખસેડી વિધિવત ગુનો નોધવા તજવીજ હાથ ધરી હતી. બનાવ બાદ તાત્કાલિક પોલીસની ટીમોએ હરકતમાં આવીને આરોપી સુનિલ મહેશ્વરીને રાઉન્ડઅપ કર્યો હતો.

અંજારમાં પોલીસ કર્મચારીની હત્યાને પગલે કચ્છમાં ચકચાર મચી ગઈ છે. છેલ્લા લાંબા સમયથી કચ્છમાં હત્યાના નાવો વધ્યા છે. લોકો સામાન્ય બાબતે પણ ઉશ્કેરાઈને લોહી રેળી રહ્યા છે. એક પછી એક હત્યાના બનાવો જોતા કચ્છમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાનું લાગે છે. પોલીસનો ખૌફ જાણે લોકોમાં રહ્યો ન હોય તેવુ લાગી રહ્યુ છે

(10:00 pm IST)