Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ભાણવડ ભાજપના પૂર્વ મહામંત્રી રાઠોડ વિરૂદ્ધ મારી નાખવાની ધમકી આપ્યાની પત્નીની ફરીયાદ

જીઆરડીમાં ફરજ બજાવતી પત્નીએ સાસુ-સસરા, રાજકોટમાં રહેતી નણંદનું પણ નામ આપતા પોલીસે ગુનો નોંધ્યો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૨૬ :. ભાણવડ શહેર ભાજપના પૂર્વ મહામંત્રી યોગેશ દયાળજીભાઈ રાઠોડ (દલવાડી) વિરૂદ્ધ ભાણવડ જીઆરડી દળમાં ફરજ બજાવતી તેમની પત્નિ વિભુતિબેન યોગેશ રાઠોડે ઘરેલુ હિંસા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાવતા ચર્ચા જાગી છે. ફરીયાદમાં પૂર્વ મહામંત્રી યોગેશ રાઠોડ તેમજ તેમના પિતા દયાળજીભાઈ ખીમજીભાઈ રાઠોડ, સાસુ નંદુબેન તથા રાજકોટના નહેરૂનગરમાં રહેતી નણંદ રેણુકા હિરેન કણજારીયાના નામ પણ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે.

ફરીયાદી વિભુતિબેને ફરીયાદમાં જણાવ્યુ છે કે આજથી આઠેક વર્ષ પહેલા જ્ઞાતિના રીતરિવાજથી મારા લગ્ન યોગેશ રાઠોડ સાથે થયા છે. સંતાનમાં ત્રણ વર્ષની પુત્રી ક્રિષ્ટલ છે. અમે સંયુકત કુટુંબમા રહેતા હતા ત્યારે લગ્નના થોડા દિવસોમાં જ સાસુ, સસરા, નણંદ ઘરકામ બાબતે મેણાટોણા મારી ઝઘડો કરતા હતા. પતિ યોગેશ ઘરે આવે ત્યારે સાસુ, નણંદની ચઢામણીથી મને ગાળો આપી માર મારતા હતા. મારા પિતાને કેન્સરની બિમારી હોવાથી આજે સારૂ થઈ જશે કાલે થઈ જશે તેવી અપેક્ષાએ હું મારા માવતરને પણ વાત કરતી ન હતી. એમ છતા સાસુ, સસરા અને નણંદનો ત્રાસ ચાલું જ હતો. આ બાબતે પતી યોગેશને જણાવતા તેણે મને આ વાત કોઈને કરીશ નહીં જો કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. આથી હું મારા માવતરના ઘરે રિસામણે ચાલી ગઈ હતી, પરંતુ અવારનવાર સમાધાન કરી સંસાર ચલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફરીથી સાસરીયામાં કોઈ સુધારો ન થતા હું મારી દિકરી સાથે હાલ માવતરના ઘરે રહું છું. આજદીન સુધી પતી કે સાસરીયાઓ ખબર અંતર પૂછવા કે સમાધાન કરવા માટે આવેલા ન હોવાથી પોલીસ ફરીયાદ કરવાની ફરજ પડી છે. આ અંગે મહિલા પોલીસ મથકના એએસઆઈ એમ.એમ. ગોજીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

ખંભાળિયાના ધરમપુરમાં ગાળો બોલવાની ના પાડતા યુવક પર તલવારથી હુમલો

ખંભાળિયાના ધરમપુર ખવાસવાડીમાં રહેતા દિપક જેન્તીભાઈ નકુમ (ઉ.વ.૨૨) નામના યુવકે ખંભાળિયા પોલીસ મથકમાં રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા અફઝલ નુરમામદ ભગાડ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે. ફરીયાદમાં જણાવ્યુ છે કે મારા માતા તથા પડોશી ચંપાબેન ઘરની બહાર બાથરૂમ કરવા ગયા હોવાથી ઘરની બહારની લાઈટ ચાલુ હોય જે લાઈટ બહાર રોડ ઉપરથી બંધ કરવાનું કહી ચંપાબેનને મનફાવે તેમ ગાળાગાળી કરતા આથી મેં ગાળો બોલવાની ના પાડતા અફઝલે ઉશ્કેરાઈ જઈ તલવાર વડે હુમલો કરતા ઈજા થઈ હતી. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(1:01 pm IST)