Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

૮ મહિના બાદ બગદાણા બજરંગદાસબાપા મંદિર ખુલ્યું

સવારે ૬ થી રાત્રીનાં ૧૦ સુધી સરકારની કોરોના મહામારીમાં ગાઇડલાઇન મુજબ ભાવિકો દર્શનનો લાભ લઇ શકશેઃ રાત્રી રોકાણ બંધ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ર૬: પૂ. બજરંગદાસબાપાના ધામ ગુરૂ આશ્રમ બગદાણા મંદિર તા. ર૬ ને સોમવારના રોજથી દર્શન માટે ખુલ્લુ રહેશે. સવારના ૬ થી રાત્રીના ૧૦ કલાક સુધી ભાવિકો મંદિરમાં દર્શન કરી શકશે.

આશ્રમના નિયમ મુજબ આરતી થશે. જેમાં કોઇએ બેસવાનું નથી. બહેનો ભાઇઓ માટે અલગ અલગ લાઇનમાં દર્શન માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં આશ્રમના સ્વયંસેવકો આ માટે ખાસ સેવા બજાવશે. પોલીસ વિભાગનો પણ ચુસ્ત બંદોબસ્ત રહેશે.

સરકારી ધારા ધોરણ ગાઇડ લાઇન મુજબ સોશિયલ ડીસટન્સ, માસ્ક, સેનિટાઇઝર, ટેમ્પરેચર ગન વગેરેના ચુસ્ત પાલન સાથે ગુરૂઆશ્રમમાં દર્શનની વ્યવસ્થા થશે. જેનું સૌ દર્શનાર્થીઓએ પાલન કરવાનું રહેશે.

ઉલ્લેખનિય છે કે કોરોના મહામારીમાં ગત તા. ર૦ માર્ચથી ગુરૂ આશ્રમ બગદાણા સંપૂર્ણ બંધ રહ્યો હતો. કોરોના મહામારીને કારણે રાત્રી રોકાણ વ્યવસ્થા બંધ રહેશે.

(11:22 am IST)