Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

કોરોનાની મહામારીના કારણે લીંબડી વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વયના ૫૨૨ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું

સુરેન્દ્રનગર,તા.૨૬: લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી અન્વયે તા. ૩ નવેમ્બરના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત કોરોનાની મહામારીને ધ્યાને લઈ લીંબડી વિધાનસભા મતદાર વિભાગના દિવ્યાંગજનો અને ૮૦ વર્ષથી વધુ વય ધરાવતાં મતદારો માટે તા. ૨૪ અને ૨૫, ઓકટોબર દરમિયાન પોસ્ટલ બેલેટથી મતદાનનો પ્રારંભ થયો છે. જેમાં ૮૦ વર્ષથી વધુ વયના તેમજ મતદાર યાદીમાં ફ્લેગ થયેલ શારીરિક અક્ષમ મળી કુલ ૯૮૨ મતદારોના મળેલા ૧૨-ડી ફોર્મને ધ્યાને લઈ આર.ઓ. દ્વારા આ તમામ મતદારોના પોસ્ટલ બેલેટ મંજૂર કરવામાં આવ્યા હતા.

લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં પોસ્ટલ બેલેટથી હાથ ધરાયેલ આ મતદાનના પ્રથમ દિવસે તા. ૨૪, ઓકટોબરના રોજ દિવ્યાંગજનો તેમજ ૮૦ વર્ષથી વધુ વયના મતદારો મળી કુલ ૫૨૨ મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લીંબડી વિધાનસભા મતદાર વિભાગના મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાશ્રી, સાયલા દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર આ વખતે કોરોના મહામારીને ધ્યાને લઈ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર ૮૦ વર્ષથી વધુ વયના અને મતદાર યાદીમાં ફ્લેગ થયેલ શારિરીક અક્ષમ મતદારોને મતદાન બુથ સુધી આવવું ન પડે અને તેઓ પોતાના દ્યરેબેઠા જ મતદાન કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે મુજબ તાલીમ સ્ટાફ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાનની કામગીરી આરંભી દેવામાં આવી છે. જે અન્વયે આ વિધાનસભા મતદાર વિભાગના પોસ્ટલ બેલેટ મંજુર કરેલ મતદારો મતદાન કરી શકશે.

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં પ્રત્યેક દ્યર સુધી પહોંચીને, ઘરે - ઘરે જઈને દિવ્યાંગ અને ૮૦ વર્ષથી વધુ વયના મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેને ધ્યાને લઈ પોસ્ટલ બેલેટ માટેની તંત્રની ટીમની સદ્યન કામગીરીના કારણે પ્રથમ દિવસે જ ૯૮૨ પૈકી ૫૨૨ મતદારોએ પોસ્ટલ બેલેટ મારફતે પોતાના અમુલ્ય મતાધિકારીનો ઉપયોગ કરતાં ૫૩.૧૬ ટકા જેટલું મતદાન નોંધાયું છે

(11:30 am IST)