Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

લીંબડી વિધાનસભાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં સૌથી ઓછું મતદાન ૧૯૭૨માં ૪૫.૫૨ ટકા અને સૌથી વધુ મતદાન ૨૦૧૨માં ૬૯.૮૯ ટકા નોંધાયું

સુરેન્દ્રનગર,તા. ૨૬: સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા પેટા ચૂંટણી મુકત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સદ્યન કામગીરી હાથ ધરવામાં આવી છે.

જિલ્લાની લીંબડી પેટા ચૂંટણી અન્વયે તારીખ ૩ જી નવેમ્બરના રોજ મતદાન થનાર છે, અને મતગણતરી તારીખ ૧૦ મી નવેમ્બરના રોજ થનાર છે, ત્યારે લીંબડીની આ બેઠક ઉપર ૧૯૬૨ થી ૨૦૧૭ સુધી યોજાયેલ ચૂંટણીમાં આ મતદાર વિભાગમાં નોંધાયેલા મતદારો અને ચૂંટણી દરમિયાન થયેલ મતદાનની વિગતો જોઈએ તો...

લીંબડી વિધાનસભાની આ બેઠક ઉપર અત્યાર સુધીમાં ૧૯૭૨ ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં સૌથી ઓછું ૪૫.૫૨ ટકા મતદાન અને ૨૦૧૨ ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં સૌથી વધુ ૬૯.૮૯ ટકા મતદાન થયું હતું.

ભારતીય ચૂંટણી પંચની વેબસાઇટ ઉપરથી ભૂતકાળમાં લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં યોજાયેલ ચૂંટણીની પ્રાપ્ય વિગતો મુજબ લીંબડી વિધાનસભાની ૧૯૬૨ માં યોજાયેલ ચૂંટણીમાં ૫૭,૪૯૫ મતદારો હતા, તેની સામે ૩૦,૫૫૬ (૫૩.૧૫ ટકા) મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૧૯૬૭ ની ચૂંટણીમાં ૬૪,૭૭૪ મતદારો પૈકી ૪૦,૩૧૫ (૬૨.૨૪ ટકા) મતદારોએ મતદાન કર્યું હતું. ૧૯૭૨ ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં ૭૩,૭૯૨ મતદારોમાંથી ૪૫.૫૨ ટકા મતદારોએ એટલે કે ૩૪,૩૨૮ મતદારોએ મતદાન કર્યું હતું. ૧૯૭૫ ના વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં ૭૯,૩૬૯ મતદારોમાંથી ૫૨,૪૧૪ મતદારોએ એટલે કે, ૬૬.૦૪ ટકા મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

લીંબડી વિધાનસભા મતદાર વિભાગની ૧૯૮૦ ના વર્ષમાં યોજાયેલ ચૂંટણીમાં ૯૧,૯૯૩ મતદારો પૈકી ૪૪,૭૮૯ (૪૮.૬૯ ટકા) મતદારોએ મતદાન કર્યું હતુ. જયારે ૧૯૮૫ માં યોજાયેલ ચૂંટણી દરમિયાન લીંબડી મતદાર વિભાગના ૧,૦૪,૩૩૬ મતદારોમાંથી ૫૧,૯૭૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠક ઉપર ૪૯.૮૧ ટકા મતદાન નોંધાયું હતુ. ૧૯૯૦ ના વર્ષમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન નોંધાયેલા ૧,૨૯,૬૩૭ મતદારો પૈકી ૬૮,૪૨૩ (૫૨.૭૮ ટકા) મતદારોએ મતદાન કર્યું હતુ. જયારે ૧૯૯૫ માં ૧,૪૧,૦૩૧ મતદારોમાંથી ૯૬,૭૧૨ મતદારોએ મતદાન કરતાં લીંબડી વિધાનસભાની બેઠક ઉપર ૬૮.૫૭ ટકા મતદાન નોંધાયું હતુ.

૧૯૯૮ ના વર્ષમાં યોજાયેલ ચૂંટણી દરમિયાન આ વિધાનસભા વિસ્તારના ૧,૪૩,૬૭૧ મતદારો પૈકી ૯૧,૨૭૭ મતદારોએ મત આપીને તેમની ફરજ બજાવી હતી. જેના કારણે આ ચૂંટણીમાં ૬૩.૫૩ ટકા મતદાન થયું હતુ. વર્ષ ૨૦૦૨ માં યોજાયેલી ચૂંટણીમાં ૧,૬૫,૩૯૪ મતદારો પૈકી ૬૭.૩૦ ટકા મતદારોએ એટલે કે, ૧,૧૧,૩૦૩ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ૨૦૦૭ ના વર્ષ દરમિયાન ૧,૭૫,૫૮૫ મતદારોમાંથી ૧,૦૫,૧૯૪ મતદારોએ મતદાન કરતાં લીંબડીની આ બેઠક ઉપર ૫૯.૯૧ ટકા મતદાન નોંધાયું હતુ.

સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી વિધાનસભા બેઠકની ૨૦૧૨ ના વર્ષની ચૂંટણીમાં ૨,૨૬,૩૬૯ મતદારો હતા. જે પૈકી ૧,૫૮,૨૦૦ મતદારોએ લોકશાહી પર્વમાં સહભાગી બની તેમના મતાધિકારનો ઉપયોગ કરતાં આ બેઠકમાં અત્યાર સુધીનું સૌથી વધુ ૬૯.૮૯ ટકા મતદાન નોંધાયું હતુ. આ ચૂંટણી બાદ ૨૦૧૭ ના વર્ષમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન લીંબડી મતદાર વિભાગમાં નોંધાયેલા ૨,૫૯,૯૧૫ મતદારોમાંથી ૧,૬૫,૬૬૯ મતદારોએ મતદાન કરતાં ૨૦૧૭ ના વર્ષમાં લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં ૬૩.૭૪ ટકા જેટલું મતદાન થયું હતુ.

અત્રે ઉલ્લેખનિય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાનાર ૬૧ - લીંબડી વિધાનસભાની આ પેટા ચૂંટણીમાં આ વખતે ૪૨૦ મતદાન મથકો પરથી ૧,૪૩,૮૫૩ પુરુષો, ૧,૨૮,૧૯૪ સ્ત્રી અને અન્ય ૪ મતદારો મળીને કુલ ૨,૭૨,૦૫૧ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આ મતદાર વિભાગના તમામ મતદારોએ પણ કોરોના મહામારીને ધ્યાને લઈ જરૂરી તકેદારી સાથે ચૂંટણી પંચની માર્ગદર્શિકાનું ચૂસ્તપણે પાલન કરી તેમના મતાધિકારના ઉપયોગ કરવો પડશે.

(11:33 am IST)