Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બનેવીની હત્યા કરવા મેટાડોરમાં જીપીએસસીસ્ટમ લગાવી : કેશોદની ઘટનાનો ભેદ ઉકેલાયો

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ,તા.૨૬ : કેશોદમાં મેટાડોરમાં નિન્દ્રાધિન યુવક પર ફાયરીંગ કરી ફરાર થઈ ગયેલા શખસને પોલીસ ટીમે રાજકોટથી ઝડપી લઈ ગણતરીના કલાકોમાં જ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

 પ્રેમલગ્ન કરનાર બનેવીની હત્યા કરવા ફાયરીંગ કરના આરોપી પ્રદિપ નારણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેણે હત્યાનું કાવતરું પાર પાડવા માટે બનેવીને શોધવા બનેવીની મેટાડોરમાં જીપીએસ સિસ્ટમ લગાવી દીધી હતી.કેશોદનો ભરત કુંવાડીયા અગાઉ પ્રદિપના ઘર સામે ભાડેથી મકાન રાખીને રહેતો હતો. જયારે પ્રદિપની બહેન કાજલ સાથે ભરતને પ્રેમ સંબંધો કેળવાયા હતા.ભરત અને કાજલ પાંચ માસ પહેલાં જ ઘર છોડીને ભાગી ગયા હતા,જેમણે પ્રેમ લગ્ન કરી લીધા હતા. કાજલે પ્રેમ લગ્ન કરવાના કારણે પ્રદિપના પરિવારની આબરૂ સમાજમાં ખરડાઈ ગઈ હતી. જેના કારણે કાજલની નાની બહેનના લગ્ન કરવામાં સામાજીક અડચણો ઉભી થઈ હતી.આથી રોષે ભરાયેલા પ્રદિપ અને તેના પિતા નારણ કાનગડ  બનેવી ભરતને અવારનવાર ધમકીઓ આપતા હતા.

 ભરતની હત્યાનું કાવતરું પાર પાડવા માટે પ્રદિપ જુનાગઢ આવીને ખાનગી હોટલમાં બે દિવસ રોકાયો હતો. ભરતનું લોકોશન શોધવા માટે તેણે ભરતની ટ્રકમાં જીપીએસ સીસ્ટમ લગાવી દીધી હતી. ઉપરાંત કોઈને શંકા ન જાય તે માટે તેનો મોબાઈલ ફોન ઘરે મુકી દીધો હતો.

 ભરત કેશોદમાં જૂનાગઢ રોડ નોબલ  હોસ્પિટલ પાસે મેટાડોરમાં નિંદ્રાધીન થયો હતો. ત્યારે મેટાડોરનું જીપીએસ પર લોકેશન શોધી કાઢી પ્રદિપ ઘટના સ્થળે આવ્યો હતો.ભરતને નિશાન બનાવી પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી ફરાર થઈ ગયો હતો. ફાયરીંગથી ઈજાગ્રસ્ત ભરતે ચીસો પાડી હતી. લોકો ચીસો સાંભળીને દોડી આવે તે પહેલાં જ ફાયરીંગ કરનાર શખસો ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ ભરતને સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો  હતો.

 ખાનગી ફાયરીંગની ઘટનાની જાણ થતાં જ  કેશોદ પોલીસ અને એલસીબી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.ભરતે પુછપરછમાં ચોંકાવનારી હકીકત કહી હતી કે તેના સાળા અને સસરા મારી નાખવાની ધમકીઓ આપતા હતા. પોલીસે બંને સામે શકમંદ આરોપી તરીકેના નામ નોધી ગુનો દાખલ કર્યો હતો.ફાયરીંગની ઘટના બાદ જૂનાગઢ એલસીબી ટીમ રાજકોટ પહોંચી હતી.

રાજકોટમાં રહેતા પ્રદિપના ઘરે પોલીસ પહોંચી હતી.પ્રદિપ પણ ઘરમાંથી મળી આવતાં પોલીસે ધરપકડ કરી હતી.  જેની તલાસી લેતાં મોબાઈલ ફોન,ધારદાર છરો અને એક જીવતા કારટીસ સાથે પિસ્તોલ મળી આવી હતી. કેશોદ લવાયેલા પ્રદિપે ચોંકાવનારી કબુલાત કરી હતી કે ભરતની હત્યા કરવા માટે તે પિસ્તોલ લાવ્યો હતો.તેણે ભરતનું લોકેશન શોધવા માટે ભરતની ગાડીમાં ચુપકીદી અને સાવચેતીપુર્વક જીપીએસ સીસ્ટમ સંતાડી દીધી હતી.પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યા કરવા ફાયરીંગ કરનારને શોધી કાઢ્યો હતો.

 પ્રદિપ હત્યા કરવા આવ્યો ત્યારે તેની સાથે કોણ હતું, તે પિસ્તોલ કોની પાસેથી લાવ્યો હતો,પિસ્તોલ કેટલા રૂપીયામાં ખરીદી હતી, પિસ્તોલ માંથી અગાઉ ફાયરીંગ કર્યું હતું કે નહીં,પ્રદિપની સાથે આવનાર કોણ હતું,હત્યાના પ્રયાસના કાવતરામાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે,હત્યાનું કાવતરૂ પાર પાડવા અગાઉ પ્રયાસ  કર્યા હતા, તેની કેટલી વાર રેકી કરી હતી,ભરતની સાથે તેની પત્નિ કાજલની પણ હત્યા કરવાનો ઈરાદો હતો કે કેમ જેવા તમામ પ્રશ્નોની પુછપરછ કરવામાં આવશે,જે માટે  પ્રદિપને કોર્ટમાં  રજુ કરી રીમાન્ડ  માંગવાની તજવીજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.એલસીબી પીઆઈ આર કે ગોહીલ અને કેશોદ પોલીસ ઈન્સ્પે.પી એસ ઝાલાની ટીમ અત્યંત ઝીણવટભરી તપાસ ચલાવી રહી છે.ભરત કુંવાડીયા પર ફાયરીંગની ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. આરોપીએ હત્યાનું કાવતરૂ પાર પાડવા માટે પ્લાન્ટ કરેલી હાઈટેક સીસ્ટમના કાવતરાની કબુલાત કરતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

(12:49 pm IST)