Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

વિસાવદરનાં સરસાઇના બે ખેડુતની વાડીના ગોડાઉનમાંથી રૂ.૧ લાખનાં મુદામાલની ચોરી

ઘઉ, મગફળી, સોયાબીન, અડદ, તલ અને બાટલો ચોરી ગયા

જુનાગઢ તા.ર૬ : વિસાવદરના સરસઇના બે ખેડુતના વાડીના ગોડાઉનમાં તસ્કરો ઘઉં, મગફળી, સોયાબીન, અડદ, તલ અને રાંધણગેસનો બાટલો મળી રૂ.૧ લાખથી વધુના મુદામાલની ચોરી કરી નાસી જતા સનસની મચી ગઇ હતી.

વિસાવદર તાલુકાના સરસઇ ગામે રહેતા હરેશ રત્નાભાઇ રીબડીયા તથા શેઢા પાડોશી ખેડુત ભીખાભાઇ વશરામભાઇ રીબડીયાની વાડીના ગોડાઉનમાં તસ્કરો ખાબકયા હતા.

જેમાં ભીખાભાઇના ગોડાઉનમાં ઘઉં, મગફળી, સોયાબીન, અડદ ગેસના સિલિન્ડર તાડપત્રી અને બુંગણ વગેરે મળી રૂ.ર૮,રપ૦ના મુદામાલની ચોરી થયેલ.

જયારે હરેશ રીબડીયાનાં ગોડાઉનમાંથી તલ ગેસનો બાટલો સહિત રૂ.૮૧,ર૦૦નો મુદામાલ મળી કુલ રૂ.૧.૦૯  લાખની કિંમતના મુદામાલની તસ્કરોએ ચોરી કર્યાની ફરીયાદ થતાં પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ વિસાવદરનાં પી.આઇ. એન.આર.પટેલ ચલાવી રહયા છે.

(12:50 pm IST)