Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

ગિરનાર રોપ-વેના બીજા દિવસે પણ ટિકીટના દર મુદ્દે કચવાટ

વધુ ભાવ વસુલતા કેટલાક લોકો રોપ-વેની સફર કર્યા વગર પરત ફર્યાઃ સિનીયર સિટીઝનો-દિવ્યાંગો અને જુનાગઢવાસીઓને રાહત આપવા માંગણી

જુનાગઢઃ તસ્વીરમાં ગિરનાર રોપવે-સાઇટ પર રોપવેમાં જવા માટે ટીકીટ લેવા લાઇનમાં ઉભેલા યાત્રિકો તેમજ રોપવેમાં જવા માટેનુ ભાવ પત્રક બોર્ડ તેમજ શનીવારે અકિલાના પ્રતિનિધિ વિનુ જોષીએ રોપવેમાં બેસી અંબાજીના દર્શનનો લાભ લીધો હતો. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)(૬.૧૨)

(વિનુ જોશી) જૂનાગઢ તા. ર૬ :.. ગિરનાર ટેમ્પલ રોપ-વેનો આજે બીજો દિવસ છે. પરંતુ ટિકીટના દરને લઇ લોકોમાં ભારે કચવાટ પ્રવર્તે છે.

શનીવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગીરનાર ટેમ્પલ રોપ-વેનું ઇ-લોકાર્પણ કર્યા બાદ ગઇકાલે પ્રવાસીઓ માટે રોપ-વે ખુલ્લો મુકવામાં આવેલ. પ્રથમ દિવસે ર૦૦૦ જેટલા પ્રવાસીઓએ રોપ-વેની સફર મળી હતી.

પરંતુ પાવાગઢ કરતા ગિરનાર રોપ-વેની લંબાઇ ત્રણ ગણી હોવાની સાથે ટિકીટનાં દર (વ્યકિત દીઠ રૂ. ૭૦૦) છ ગણા વધારે હોય રવિવાર કેટલાક લોકો રોપ-વેની સફર માણ્યા વગર પરત ફર્યા હતાં.

ટીકીટનાં દર ઉંચા હોવા ઉપરાંત રોપ-વે સાઇટ પર આરોગ્ય, પાણી અને પાર્કીંગની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે.

વર્તમાન સ્થિતીમાં પૂર્વ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન નિલેશભાઇ ધુલેશીયાએ જૂનાગઢ વાસીઓને એક વર્ષ માટે ટિકીટનાં ભાવમાં રાહત આપવા હિમાયત કરી છે.

તેમજ સીનીયર સીટીઝનો, દિવ્યાંગો, વગેરેને પણ રાહત આપવાની માંગ થઇ છે.

જુનાગઢ ગરવા ગિરનાર પર્વત પર રોપ-વેનો પ્રારંભ થતા ગઇકાલે રવિવારના રોજ ર૦૦૦ લોકોએ રોપ-વેમાં બેસી મજામાણી હતી. પરંતુ સાંજે પ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવેલ હોવાથી અમુક લોકો પરત થયા હતા અને જૂનાગઢ શહેર કરતા બહારગામના પ્રવાસીઓની સંખ્યા વધારે જોવા મળતી હતી.

(2:35 pm IST)