Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

કચ્છમાં કોરોનાનો ટેસ્ટ કરતી સરકારી લેબમાં સામગ્રી ખુટી?- વધતાં કેસો વચ્ચે સબ સલામતની વાતો માત્ર કાગળ ઉપર? સરકારી આરટીપીસીઆર ટેસ્ટ માટે લોકો પરેશાન, જ્યારે ખાનગી લેબમાં 'ભાવ' બોલાતા હોવાની ચર્ચા

(વિનોદ ગાલા દ્વારા (ભુજ)::: કચ્છમાં કોરોનાના નવા કેસોની વધતી સંખ્યા અને સરકાર અને સ્થાનિક તંત્રની સબ સલામતની વાતો વચ્ચે લોકો અટવાઇ રહ્યા છે. જોકે, સૌથી વધુ હેરાન પરેશાન મુંબઈ જનારા લોકો છે. એક બાજુ મહારાષ્ટ્ર સરકાર આરટીપીસીઆર ટેસ્ટ માટે આગ્રહ રાખે છે, બીજી બાજુ કચ્છથી મુંબઈ જનારા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ કરવા સંદર્ભે મુશ્કેલી પડી રહી છે. આરટીપીસીઆર ટેસ્ટ કરતી કચ્છની એક માત્ર સરકારી લેબ અદાણી જીકે જનરલમાં સામગ્રી ખુટી હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે, અદાણી જીકે જનરલના મેડીકલ સુપ્રી. દ્વારા આ વાતને રદિયો આપી અત્યારે ટેસ્ટ ચાલુ હોવાનો ખુલાસો કરાયો છે. જ્યારે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવા માંગતા નાગરિકોને કોરોનાના લક્ષણ હોય અને સબંધિત તબીબ દ્વારા ટેસ્ટ સાથે હોસ્પિટલમાં દાખલ કરવાની સુચના હોય તો જ ટેસ્ટ કરાય છે. મુંબઈ જવા ઇચ્છ્નારાઓ માટે ટેસ્ટ ફરજિયાત હોઈ ખાનગી લેબમાં આરટીપીસીઆર ટેસ્ટના સરકારના ૧૫૦૦ રુપિયાના ભાવ બાંધણા સામે વધુ ભાવ બોલાતા હોવાની ચર્ચા છે. જોકે, કચ્છના આરોગ્યતંત્રએ વધુ ભાવ અંગે કોઈ લેબની ફરિયાદ આવી ન હોવાનો ખુલાસો કર્યો છે. દરમ્યાન કચ્છમાં કોરોનાના નવા ૧૯ કેસ સાથે ઍક્ટિવ દર્દીઓની સંખ્યા વધીને ૨૧૬ થઈ છે. કુલ કેસ ૩૧૫૪ અને સાજા થનાર દર્દીઓ ૨૮૨૦ થયા છે.

(9:34 am IST)