Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કાલે જૂનાગઢ જિલ્લાની ૩૦, તાલુકાની ૧૫૮, કેશોદ પાલિકાની ૩૬ બેઠક માટે મતદાન

કુલ ૬૪૦ ઉમેદવારો, ૧૦૧૨ મતદાન મથક, ૨૨૪૮ ઇવીએમઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૮ લાખથી વધુ મતદારો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૨૭ : આવતીકાલે જૂનાગઢ જિલ્લાની ૩૦, તાલુકાની ૧૨૮ અને કેશોદ પાલિકાની ૩૬ બેઠક માટે મતદાન થશે. જેના માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપી દેવાયો છે.

આજે સવારથી તંત્ર દ્વારા ડીસ્પેચીંગ સહિતની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ અને બપોર સુધીમાં ચુંટણી સ્ટાફ તેની નિયત ફરજ પર પહોંચી જશે.

આ ચુંટણીને લઇ ડીઆઇજી મન્નીદર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ એસ.પી. રવિ તેજા, વાસમ શેટી દ્વારા એસઆરપીના જવાનો સહિત પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જાહેર પ્રચાર પડઘમ ગઇકાલે શાંત થતાં સવારથી ઉમેદવારો, સમર્થકોએ મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક શરૂ કર્યો છે. આજની રાત કતલની રાત છે.

૨૮ ફેબ્રુઆરી રવિવારે સવારે ૭ થી સાંજના ૬ દરમિયાન જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે મતદાન થશે અને ૯૨ ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. જિલ્લામાં ૯ તાલુકા પંચાયતની ૧૫૮ બેઠક માટે પણ કાલે જ ચુંટણી થશે. જેમાં ૪૪૩ ઉમેદવારો ભાવિ અજમાવી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લામાં કેશોદ પાલિકાની ૯ વોર્ડની ૩૬ બેઠકની સામાન્ય ચુંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા થશે. જેમાં ૧૦૫ ઉમેદવારોએ ઝંપલાવ્યું છે.

જિલ્લામાં આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૮,૦૧,૦૨૩ મતદારો નોંધાયેલા છે.

આ ચુંટણીમાં ૧૦૧૨ મતદાન મથક માટે કુલ ૨,૨૪૮ ઇવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક બુથ પર બે ઇવીએમ હશે. ઉપરાંત નિયમ મુજબ ૧૦ ટકા ઇવીએમ એકસ્ટ્રા રાખવામાં આવેલ છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની ચુંટણીમાં ૨૪૩ મતદાન મથકો સંવેદનશીલ અને ૧૬૮ અતિ સંવેદનશીલ છે.

જ્યારે કેશોદ નગરપાલિકાની ચૂંટણીમાં ૫૮માંથી ૨૭ મતદાન મથકો સંવેદનશીલ અને ૧૪ અતિ સંવેદનશીલ છે.

જૂનાગઢ જિલ્લા પંચાયતની ૩૦, તાલુકા પંચાયતની ૧૫૮ અને કેશોદ પાલિકાની ૩૬ મળી કુલ ૨૨૪ બેઠક પર ૬૪૦ ઉમેદવારોનું રાજકીય ભાવિ આવતીકાલે ઇવીએમમાં કેદ થશે. મત ગણતરી મંગળવારે સવારથી હાથ ધરાશે.

(12:53 pm IST)