Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

રાપરની લોહાર સમાજવાડીના વિવાદમાં વકીલની હત્યા : આરોપીઓ ઝડપાય નહી ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇન્કારઃ રેન્જ આઈજી- એસપી સહિત પોલીસ કાફલો રાપરમાં

જિલ્લા પંચાયત પ્રમુખના ભાઈ, પૂર્વ નગરપતિના પુત્ર સહિત ૯ સામે સમાજની વાડીનો કેસ લડવાના મુદ્દે વકીલ દિનેશભાઈ મહેશ્વરીની હત્યા કરાઇ હોવાની ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૨૬: રાપરમાં વકીલ દિનેશભાઈ મહેશ્વરીની હત્યાના બનાવને પગલે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ ગઈ છે. બામસેફ્ના સક્રીય કાર્યકર અને ઈન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ દિનેશભાઈ મહેશ્વરીની હત્યાના કચ્છમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.

દરમ્યાન જયાં સુધી હત્યારાઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ નહી સ્વીકારવાના નિર્ણય કરાયો છે. મૃતક દિનેશભાઈ મહેશ્વરીના પત્નિ મીનાક્ષિબેને લોહાર સમાજવાડીનો કેસ લડવા બાબતે તેમના પતિની હત્યા કરાઈ હોવાનું જણાવીને ૯ જણા સામે હત્યા અંગેની ફોજદારી ફરિયાદ લખાવી છે.

આ કેસ સબંધે દિનેશભાઈ મહેશ્વરીને ફોન ઉપર ધમકી પણ અપાઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આરોપીઓમાં કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખના સગા ભાઈ પ્રવિણસિંહ અલજી સોઢા ઉપરાંત રાપરના પૂર્વ નગરપતિના પુત્ર વિજયસિંહ સોઢા સહિત ૯ આરોપીઓ દર્શાવાયા છે.

આ આરોપીઓએ રાપરમા આવેલી વાગડ લોહાર સુથાર સમાજવાડી વેંચાણ લીધી હોઈ એ સબંધિત તેમનો લોહાર સમાજના આગેવાનો સાથે મારામારી અને ઝઘડો થયો હતો. જે અંગે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

તે ઉપરાંત કોર્ટ કેસ ચાલતો હતો. આ સબંધે દિનેશભાઈ મહેશ્વરીએ લોહાર સમાજવાડીનો કેસ હાથમા લીધો હતો. તેઓ ગઈકાલે ભુજ કોર્ટમાથી બપોરે ત્રણ વાગ્યે પરત રાપર આવ્યા હતા. ત્યારબાદ પોતાની ઓફિસે ગયા હતા તે સમયે તેમની હત્યાનો બનાવ બન્યો હતો. હત્યા માટે ભરત જયંતિલાલ રાવલ નામના યુવાનને ઉભો કરાયો હતો.

બનાસકાંઠા ના પિપરાળા ગામનો ભરત રાવલ અત્યારે રાપરમાં રહે છે. દિનેશભાઇ મહેશ્વરીની હત્યા બાદ જયાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર કરાયો છે. પોલીસ આરોપીઓને ઝડપી પાડવા દોડધામ કરી રહી છે.

હત્યાના બનાવ બાદ રેન્જ આઈજી મોથાલિયા, પૂર્વ કચ્છ એસપી મયુર પાટીલ, બબ્બે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો રાપર ધસી આવ્યો હતો. રાપરમાં સઘન પોલીસ બંદોબસ્ત સાથે એસઆરપી તૈનાત કરી દેવાઇ છે.

(3:31 pm IST)