Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ગોંડલમાં ટેકાના ભાવે ખરીદી પ્રારંભે વિવાદ સર્જાયો

ખરીદ કેન્દ્ર ઉપર ખેડૂતોની મગફળી રીજેકટ થતા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડા્યો : સરકાર અને ખેડૂતો બન્ને માટે માથાનો દુઃખાવો

રાજકોટ,તા. ૨૭: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની મગફળીની ખરીદી ટેકાના ભાવે શરૂ કરવામાં આવી છે. ત્યારે કોઇ જગ્યાએ સારો તો કોઇ જગ્યાએ નબળો પ્રતિસાદ મળી રહ્યો છે. તો ઘણી જગ્યાએ  વિવાદ પણ સર્જાતા ખરીદીના પ્રારંભે વિવાદ સર્જાતા પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઘડાયો છે.

ગોંડલ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા )ગોંડલ :ગોંડલ માર્કેટ યાર્ડમાં સરકારના ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ થયો છે. ત્યારે ખેડૂતોની મગફળીની ખરીદી ખેડૂતો અને સરકાર માટે માથાનો દુઃખાવો બની જવા પામી છે.

સરકારે કેબીનેટમાં લીધેલ નિર્ણયના અંતે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ કરેલ જાહેરાત સાથે ૨૫ કિલો મગફળી બારદાનમાં ભરવાની છૂટછાટ આપવામાં આવી છે. તેમ છતા આ વર્ષે સતત પડેલા વરસાદની વચ્ચે મગફ્ળીનું ઉત્પાદન ગુણવતામાં નબળું જોવા મળ્યું છે. જેમને કારણે ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદીના કેન્દ્રો પર મોટા ભાગે ખેડૂતોની મગફળીનો ઉતારો ન બેસતો હોવાથી ખેડૂતોની મગફળી રીજેકટ થઈ રહી છે. જયારે ખેડૂતો ૨૫ કિલોનો બારદાનમાં ભરતીનો આગ્રહ રાખી રહ્યા છે. તો બીજી તરફ મગફળી ખરીદીના કેન્દ્રો પર સરકાર દ્વારા FAQના નિયમો અને નોમ્સ મુજબ ૧૩૦ અને ૧૪૦ના ઉતારા મુજબ મગફળી ખરીદી કરવાના આદેશો આપવામાં આવ્યા છે. જેમને કારણે ખેડૂતોની મગફળી ખરીદ કેન્દ્ર પર રીજેકટ થઈ રહી હોવાનું અધિકારીઓ દ્વારા જણાવેલ છે.

સરકારે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોના હિતમાં લીધે નિર્ણય આવકાર્ય છે. પરંતુ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીમા FAQના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમને કારણે જૂના FAQના નિયમો મુજબ મગફળીની ખરીદી કરવામાં આવી રહી હોવાથી સૌરાષ્ટ્રભરમા આ વર્ષે નબળી ગુણવતાના મગફળીના આવેલા ઉત્પાદન વચ્ચે મગફળીનો ઉતારા બેસતો ન હોવાને કારણે ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતો અને અધિકારીઓ વચ્ચે વિવાદ સર્જાયો છે. પ્રથમ દિવસે જ ખેડૂતોની મગફળીની ખરીદીમાં વ્યાપક પ્રમાણમાં ખેડૂતોની મગફળી રીજેકટ થતી હોવાથી સરકારે કેબિનેટમાં લીધેલા નિર્ણયની સાથે FAQના નિયમોમાં ફેરફાર કરવા જરૂરી બન્યા છે. નહીતર સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકાર અને ખેડૂતો બંને માટે માથાનો દુઃખાવો બનશે તો ના નહી.(૨૨.૧૩)

(10:54 am IST)