Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

બાળલગ્નથી દિકરીઓ પર શુ અસર પડે?

ભાવનગરના ચેતનસિંહ સરવૈયાએ લઘુશોધ નિબંધમાં પીએચડીની ડીગ્રી મેળવી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૭ : ભાવનગર જીલ્લાના રોજીયા ગામના વતની આરાધના વિદ્યાવર્તુળ, સહજાનંદ હાઇસ્કુલ અને જે.કે.સરવૈયા કોલેજના ડાયરેકટર ચેતનસિંહ જશવંતસિંહ સરવૈયાએ છોકરીઓના શિક્ષણ વિકાસ અને આરોગ્ય પર થતી અસરોનો એક અભ્યાસ શોધ નિબંધ તેમના માર્ગદર્શક ડો.નેહલ ત્રિવેદીના માર્ગદર્શન નીચે રજૂ કર્તા એમકેબી યુનિ. દ્વારા આ શોધ નિબંધને માન્ય રાખી ચેતનસિંહ સરવૈયાને પીએચડીની ડીગ્રીના કુલપતિ ડો.મહિપતસિંહ ચાવડા દ્વારા એનાયત કરી છે.

વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફના જણાવ્યા મુજબ બાળલગ્નએ સમાજનુ વ્યાપત દૂષણ છે જે દેખીતી રીતે નુકશાનકારક નથી લાગતુ પરંતુ તેની નકારાત્મક અસરો વ્યકિતગત તેમજ સામાજીક રીતે જોવા મળે છે. આ સંદર્ભે સરકાર દ્વારા પણ છોકરીઓની લગ્નની વય વધારવા અંગે કાયદામાં સુધારો લાવવા માટે નિર્ણય લેવાનાર છે. ત્યારે ભાવનગર જીલ્લામાં છોકરીઓના નાની વયમાં થતા લગ્ન બાળલગ્નની છોકરીઓના શિક્ષણ, વિકાસ અને આરોગ્ય પર થતી અસરોનો એક અભ્યાસ અંતર્ગત શોધનિબંધ માર્ગદર્શક ડો.નેહલ ત્રિવેદીના માર્ગદર્શકમાં તૈયાર કર્યો હતો.

સંશોધનમાં તેમના જણાવ્યા મુજબ ભાવનગરમાં આજે પણ કેટલીક જ્ઞાતિઓમાં બાળલગ્નનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. નાની વયમાં લગ્ન થાય તેથી છોકરીઓને શિક્ષણ અને વિકાસની તક સાંપડતી નથી. વળી, નાની ઉંમરમાં માતા બનતી હોવાથી બાળક અને માતા બંનેનુ આરોગ્ય જોખમાય છે. પરિણામે માતા મૃત્યુદર અને બાળમૃત્યુદર વધે છે. તેઓ જણાવે છે કે, આ સમસ્યાને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા પ્રયત્નો થાય છે. દરેક જીલ્લામાં બાળલગ્ન પ્રતિબંધ અધિકારી, બાળ સુરક્ષા અધિકારીની કચેરી દ્વારા કાર્ય કરવામાં આવે છે. પરંતુ આ સમસ્યા માટે માત્ર સરકાર જ નહિ આગેવાનો સમાજ અને સ્વયમ સેવી સંસ્થાઓએ પણ પ્રયત્નો કરવા જોઇએ. સરકારશ્રીએ ગ્રામ્ય અને તાલુકાકક્ષાએ જાગૃતી માટેના કાર્યક્રમો વધારવા જોઇએ. જો સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક, સ્વસ્થ સમાજના સુત્રને ચરિતાર્થ કરવુ હશે તો બધાએ સામુહિક પ્રયત્નો કરવા જરૂરી છે.

ચેતનસિંહની આ સિધ્ધી બદલનંદકુંવરબા મહિલા કોલેજ અને જે.કે.સરવૈયા કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી ભરતસિંહ ગોહિલ, મે.ડાયરેકટર રવિન્દ્રસિંહ સરવૈયા, શૈલેન્દ્રસિંહ ગોહિલ તથા સમગ્ર સ્ટાફ પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

(12:03 pm IST)