Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મંદિરની લાઇનમાં સરખો ઉભો રહેવાનું કહેતા લાફા ઝીંકી કાર સળગાવી

ઓખાના સાંઇબાબા મંદિરે બનાવ

ખંભાળીયા તા. ર૭ :. ઓખાના સરકારી દવાખાના પાસે નવીનગરી લહેરી માતાજીના મંદિર પાસે રહેતા વલુબેન રાજેશભાઇ રામપરીયા (ઉ.૩૦) નામના કડીયા મહિલાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું છે કે, ગત રોજ મારો પુત્ર વિશાલ ઘર નજીક આવેલ સાંઇબાબાના મંદિરે આરતીમાં ઉભા હોય ત્યારે રાજભા ઉર્ફે રાજીયો ભીખુભા કેરનો ધકકો પાછળથી લાગતાં મારા પુત્રએ તેને સરખો ઉભો રહેવાનું કહેતાં રાજભા ઉર્ફે રાજયો ઉશ્કેરાઇ જઇ મંદિરમાં ફડાકા ઝીંકયા હતાં અને જાનથી મારી નાખવાની ધમકી આપી બહાર પડેલી અમારી આઇ ટવેન્ટી કારને સળગાવી નાખતાં નુકશાન થયું છે.  પોલીસે મહિલાની ફરીયાદ પરથી રાજભા ઉર્ફે રાજીયો ભીખુભા કેર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડમાં બંધ મકાનમાં  સવા લાખની મતાની ચોરી

ભાણવડન દ્વારકાધીશ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા સોપારી કટીંગનું કામ કરતા હસમુખભાઇ ઉર્ફે અશોકભાઇ કેશુભાઇ સોલંકી નામના સગર યુવાન ગત તા. રપના રોજ પરિવાર સાથે બહારગામ ગયા ત્યારે પાછળથી કોઇ અજાણ્યા શખ્સો મકાનનું તાડુ તોડી ઘરમાં પ્રવેશી કબાટમાં રાખેલા સોનાના દાગીના તથા રોકડ રપ૦૦૦ ની મતા મળી કુલ રૂ. ૧,૩૦,૦૦૦ ની ચોરી કરી જતાં પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો છે.

જામપર ગામે છ જુગારીઓ ઝબ્બે

ભાણવડના જામપર ગામે વાડીની ઓરડીમાં ચાલતાં જૂગારધામ પર ભાણવડ પોલીસે દરોડો પાડતાં જુગાર રમતાં છ શખ્સોને કુલ બે લાખના મુદામાલ સાથે પકડી પાડી તમામ વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી.

પોલીસ સુત્રોની વિગત મુજબ ભાણવડના જામપર ગામે રહેતો અમિત ઉર્ફે મુન્નો ચંદુભાઇ ઘેટીયા પોતાની વાડીની ઓરડીમાં જૂગારનો અખાડો ચલાવતો હોવાની બાતમીના આધારે ભાણવડ પોલીસે દરોડો પાડતાં જૂગાર રમી પૈસાની હારજીત કરતાં નારણ લાખા ભાટીયા,  વજશી મારખી કનારા, દિનેશ ગોરધન શીરા, મુકેશ જાદવ પીપરોતર, પુના રાણા ભાટુ, તથા વાડી માલિક અમિત ઉર્ફે મુન્નો ચંદુભાઇ ઘેટીયાને રોકડ, મોબાઇલ તથા મોટરસાયકલ પાંચ મળી કુલ રૂ. ર લાખના મુદામાલ સાથે તમામને ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

(1:13 pm IST)