Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સોરઠમાં અતિવૃષ્ટિથી મગફળીને નુકસાન થતાં વજન ઘટવા છતાં સિંગતેલનાં ભાવ આસમાને

મગફળી પીલાણમાં ચાલે એવી વધારે હોવાં છતાં સિંગતેલમાં ભડકો યથાવત રહસ્યમય બાબત

(કિશોરભાઈ દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૮: એક સમય હતો ખાદ્યપદાર્થોનાં કે પેટ્રોલિયમ પેદાશોના ભાવ આસમાને પહોંચતા ની સાથે રેલીઓ, વિરોધ, આંદોલનો શરૂ થઈ જતાં અને લોકમાનસમાં સતાધારી પક્ષ વિરુદ્ઘ નારાજગી વ્યાપે એ પહેલાં પગલાં ભરવામાં આવતાં હતાં ત્યારે હવે લોકો સુધી સતાધારી પક્ષ દ્વારા લેવામાં આવતાં નિર્ણયો ને હકારાત્મક અભિગમ અપનાવીને દેશભકતનું પ્રમાણપત્ર મેળવવા પડાપડી થાય છે.

સોરઠ પંથકમાં ખરીફ પાક માં મુખ્યત્વે મગફળી નું વિપુલ પ્રમાણમાં વાવેતર કરવામાં આવે છે અને આ વર્ષે પણ ચોમાસામાં ખુબ મગફળી નું વાવેતર થયું હતું. નવરાત્રી આસપાસના દિવસોમાં મગફળી તૈયાર થઈને જાહેર બજારમાં આવી જતી હોય છે પરંતુ આ વર્ષે છેલ્લે છેલ્લે પડેલાં અતિવૃષ્ટિ વરસાદને કારણે ખરીફ પાકને નુકસાન થયું હતું. ખરીફ ખેતપેદાશો માં ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. મગફળીના સિંગદાણા જે સોરઠનાં મહત્તમ કારખાનાં માલિકો ગ્રેડ પાડી નિકાસ કરતાં હોય છે પરંતુ મગફળીનો ઉતારો ઘટી જતાં આ વર્ષે સિંગદાણા એકસપોર્ટ કવોલિટી નાં સોરઠમાં નામ માત્ર હોવાથી વધું પડતી મગફળી સિંગતેલ માટે પીલાણમાં વેંચાઈ છે.

સોરઠમાં લગભગ બસો જેટલી સિંગતેલ ની આધુનિક ઓઈલ મીલ કાર્યરત છે. વિપુલ પ્રમાણમાં મગફળી પીલાણ માં જતાં સિંગતેલ નું ઉત્પાદન વધ્યું છે છતાં પણ લોકડાઉન સમયે મીલો બંધ હતી ટ્રાન્સપોર્ટેશન બંધ હતું છતાં ડબ્બો બે હજાર રૂપિયા આસપાસ ખુલ્લી બજારમાં મળતો હતો. જે અત્યારે છેલ્લાં પખવાડિયા થી ધુમ ઉત્પાદન હોવાં છતાં ત્રેવીસો રૂપિયા આસપાસ જ વેંચાય રહ્યો છે. સોરઠમાં સિંગતેલનું લાખો લીટરનું રોજીંદુ ઉત્પાદન થવા છતાં ભાવ ઘટવાને બદલે વધી રહ્યાં છે તે સરકાર અને ઓઈલ મીલ માલીકો વચ્ચે ની સાંકળ હોવાનું ચર્ર્ચાઈ રહેલ છે.

ખુબીની વાત એ છે કે તેલીબિયાંનાં પીલાણ બાદ સાઈડ પ્રોડકટ તરીકે બનતાં ખોળ માં એટલો ઉછાળો જોવા મળ્યો નથી. આધારભુત વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ સરકાર દ્વારા વિદેશી હુંડીયામણ મેળવી આર્થિક મંદી સરભર કરવા નિકાસ પર પ્રતિબંધ લાદયો ન હોવાથી અંદાજે હજારેક ટેન્કર સિંગતેલ વિદેશોમાં નિકાસ કરવામાં આવી રહ્યું હોવાથી સ્થાનિક બજારોમાં ઉભી કરવામાં આવેલી ઘટ ને કારણે સિંગતેલનાં ભાવ ઘટવાને બદલે વધી રહ્યાં છે.

કોરોના મહામારી અને અતિવૃષ્ટિ ને કારણે સોરઠનાં ગ્રામ્ય વિસ્તારોમાં લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ત્યારે સ્વમાની ગરીબ મધ્યમ વર્ગના પરિવારો ની સંવેદનશીલ સરકાર ચિંતા કરી ઉત્પાદન નો અડધો હિસ્સો સ્થાનિક બજારોમાં વેચવાનું ફરજિયાત કરે અથવા નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવે તો સિંગતેલ ની ભડકે બળતી બજાર નીચે આવશે એવું જાણકારોનું માનવું છે.

(10:28 am IST)