Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

ભાણવડ બેંક ઓફ ઇન્ડિયામાં ભરણુ કરવા ગયેલા યુવાનના થેલામાંથી પ૦ હજારની તફડંચી

છાપા વિતરકનું કામ કરતા યુવાન માતાની બચત કરેલી રકમ ભરવા ગયા ત્યારે બનાવ : સીસીટીવીના આધારે મહિલાની શોધખોળ

ખંભાળીયા, તા. ર૯ : ભાણવડ બેન્ક ઓફ ઇન્ડિયા બ્રાંચમાં બચતની રકમનું ભરણું કરવા આવેલા છાપાના વિતરક યુવાનના થેલામાંથી પાછળ ઉભેલી અજાણી મહિલાએ નજર ચૂકવી રૂ.પ૦,૦૦૦ શેરવી લેતા પોલીસમાં ફરીયાદ નોંધાવાઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડના ભગવતી શેરીમાં રહેતા અને છાપાનું વિતરણ કરી ગુજરાન ચલાવતા મનસુખઅલી અલાઉદીન બરડાઇ (ઉ.વ.૪ર) નામના ખોજા યુવાન ગઇકાલે ભાણવડ દરબારગઢ પાસે આવેલી બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાંચમાં માતાની બચતના રૂ.પ૦,૦૦૦ ખાતામાં જમા કરાવવા લાઇનમાં ઉભા હતાં ત્યારે પાછળ પીળા કલરની સાડી પહેરેલી અજાણી સ્ત્રીએ યુવાનની નજર ચૂકવી થેલામાં રાખેલા રૂ.પ૦,૦૦૦ની તફડંચી કરી નાશી છુટતા બનાવ અંગે ગભરાયેલા યુવાને ભાણવડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. પોલીસે બેન્કના સીસીટીવી ચેક કરી અજાણી મહિલા સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

(11:33 am IST)