Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કુંભમેળાનું પુણ્યએ રામકથા છે : પૂ. મોરારીબાપુ

શ્યામધામ ખાતે જ્ઞાનગંગા વહાવતા પૂ. બાપુઃ કુંભસ્નાન પછી જો રામકથામાં ડૂબકી ન લગાવીએ તો એ કુંભસ્નાન અધુરૂં છે : લૌકિક સંદેહ વિનાશ કરે, જ્યારે દૈવી સંદેહ વિકાસ કરે, જે આખરે વિશ્વમંગલ કરે છે

(શિવકુમાર રાજગોર દ્વારા) રાજુલા : શ્યામધામ ખાતેની પૂજય મોરારી બાપુની ચોથા દિવસની રામકથાનો આરંભ કરતા પૂજય બાપુએ કહ્યું કે - 'કુંભમેળાનું પૂણ્ય રામકથા છે. કુંભ- સ્નાન પછી જો રામકથામાં ડૂબકી ન લગાવીએ, તો એ કુંભ-સ્નાન અધૂરૃં છે! એટલે જ પ્રયાગ સ્થાન પર કુંભ પૂર્ણ થયા પછી, પરમ વિવેકી યાજ્ઞવલ્કય મહારાજ પાસે મહર્ષિ ભારદ્વાજ રામકથા સાંભળવાની જિજ્ઞાસા વ્યકત કરે છે. કિનારે બેસીને વાતો કરવાથી છીપલાં મળે મોતી નહીં. રામનું ગુણગાન ગૂઢ અને રહસ્યમય છે. એ સાંભળવા માટે મુની ભારદ્વાજ સંશય વ્યકત કરે છે.'

પૂજય બાપુએ કહ્યું કે - સંશયના બે પ્રકાર છે- એક દૈવી અને બીજો અદૈવી. દૈવી સંશય અંતતોગત્વા શુભત્વમાં પરિણમે છે. સાધકનો ક્રમશઃ વિકાસ કરે છે અને સાધક એટલો વિસ્તૃત થઈ જાય છે કે છેવટે અસ્તિત્વમાં વિલીન થઈ જાય છે.

માનસમાં ત્રણ જણાં- ગરૂડજી, માં પાર્વતીજી અને માતા ભવાની- એ કરેલો સંદેહ અલૌકિક છે. લૌકિક સંદેહ વિનાશ કરે, જયારે દૈવી સંદેહ વિકાસ કરે. દૈવી સંદેહ કલ્યાણકારી હોય છે, જે આખરે વિશ્વમંગલ કરે છે. રામકથા કેવળ મંગલ જ નથી કરતી, કળિયુગમાં માનવીના ગમે તેવા મેલને પણ ધોઈ નાખે છે. સંદેહ 'કલિમલ' છે અને કથા 'કલિમલ હરની ગંગા' છે.

ભરદ્વાજ ઋષિએ મૂઢતા ઓઢીને યાજ્ઞવલ્કયજીને પ્રશ્ન કર્યો, એ જ રીતે પરમ્બા માં પાર્વતી રામ-તત્વનો મહિમા જાણતાં હોવાં હતાં છતાં તેમણે રામકથા સાંભળવા માટે સંદેહ કર્યો, એટલે એ સંદેહ પણ દિવ્ય છે.

કોરોના અને લોડાઉનના સંદર્ભમાં ગવાતી શ્રોતા વિનાની કથા સંદર્ભે બાપુએ દાદા ગુરુનું સ્મરણ કરતા સજળ નેત્રે કહ્યું કે -'મને લાગે છે કે તલગાજરડાના ખૂણામાં બેસીને હું કથા કરી રહ્યો છું અને દાદા સાંભળી રહ્યા છે. કયારેક તો માનસની પોથી, એ પોથી નહીં પણ દાદાની પાઘડી હોય, એવું અનુભવાય છે.'

માં ભવાનીનો દૈવી સંદેહ, સદાય મૌની એવા શિવજીને પણ મુખર કરી દે છે. અને તેથી જ મહાદેવ ગાઇ ઉઠે છે કે - 'ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી

તુમ સમાન નહીં કો' ઉપકારી'

પૂજય બાપુએ કહ્યું કે

આપણા સંશય લૌકિક હોય છે પરંતુ એવા લૌકિક સંશયને પણ દબાવી ન દેવા - એનો ખુલાસો કરીને સાધકે તરત જ સંદેહનું સમાધાન કરી લેવું.

બાપુએ એક નાનકડી બોધ કથા કહી. પાણીના ધરામાં એક માછીમાર રોજ માછલી પકડતો. માછલી પકડવાની દોરી પર માછીમાર ખાવાનું મૂકતો, જેથી માછલી પોતાનું મુખ ખોલે અને ફસાઈ જાય. એક દિવસ ધરાના કાંઠે એક મૌની સાધુ પુરુષ આવીને બેસી જાય છે. એ કશું જ બોલતા નથી. પરંતુ એમના મૌન અને ધ્યાનની અસરથી માછલીઓ ઉછળકૂદ કરતી બંધ થઇ જાય છે. એટલે તે દિવસે એક પણ માછલી, માછીમારની જાળમાં ફસાતી નથી.માછલીઓ મૌન બની ગઈ છે. પોતાનું મુખ ખોલતી નથી એટલે બચી જાય છે. 'આપણે જેટલું આપણું મુખ બંધ રાખીએ - મૌન રહીએ- એટલા ફસાતા બચી જઈએ.'

પરંતુ પ્રલોભન આપણું મોં ખોલાવી નાખે છે.

બાપુએ કહ્યું કે 'મારા માટે હું જ પ્રમાણ છું. મારા અનુભવથી હું કહું છું કે વ્યાખ્યા બધી પારકી હોય છે જયારે અનુભવ સદાય પોતાના હોય છે.ઉધાર અજવાળા કરતાં પોતાનું અંધારું વધારે સારૃં.' એટલે જ બુદ્ઘ કહે છે કે 'અપ્પ દીપો ભવ' - તારો દીવો તું જ બન.

ચેતનાની ધારા જયારે બહિર્મુખી બને, ત્યારે તે બુદ્ઘિ છે. બુદ્ઘિને શ્રદ્ઘામાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા સંશયથી શરૂ થાય છે. દૈવી સંદેહ હોવો તે પ્રથમ સોપાન છે.સતિની ચેતના જયાં સુધી બહિર્મુખી હતી, ત્યાં સુધી તે - કથામાં હોવા છતાં - કથા સાંભળી શકતા નથી. સંશયગ્રસ્તતા એ પહેલો પડાવ છે. એ જ બહિર્મુખ ચેતનાને અંતર્મુખ કરવા માટે 'બુદ્ઘિને શ્રદ્ઘામાં પરિવર્તિત કરવાનો બીજો પડાવ છે - સાધુનો સંગ કદી છોડવો નહીં.'

સંશય હંમેશા પરીક્ષાવાદી હોય છે. પરીક્ષા કર્યા વિના એ માને નહીં.પરંતુ એવા સમયે સત્સંગનો સાથ ન છોડવો, એ બીજું સોપાન છે. અને ત્રીજું સોપાન છે - બુદ્ઘિએ યજ્ઞમાં હોમાવું પડે છે. ત્યાર પછી બુદ્ઘિ શ્રદ્ઘામાં પરિવર્તિત થાય, એ પછી પણ આપણી શ્રદ્ઘા દ્રઢ કરવા માટે કથા શ્રવણની જિજ્ઞાસા કરતા રહેવી કે જેનાથી આપણને રામકથા મળી શકે.

પૂજય બાપએ કહ્યું કે જલંધર આખરે તો શિવપુત્ર છે. શિવના પાંચ પુત્રો છે. કાર્તિકેય, ગણેશ, ઐયપ્પા, સુકેશ અને પાંચમો જલંધર. શિવજીનું તેજ સમુદ્રમાં ઉતરે છે એ તેજથી સમુદ્રનાં જળમાંથી જન્મે છે, તેથી તેનું નામ જલંધર છે.

જલંધર રાક્ષસ યોનિમાં જન્મ્યો છે. રાક્ષસનું એક લક્ષણ છે - જડતા. સમુદ્ર જડ છે. એટલે શિવ પુત્ર હોવા છતાં જલંધરમાં જડતા છે. એનામાં બલ, બુદ્ઘિ અને સામર્થ્ય છે. પરંતુ તે અહંકારી છે. જલંધર કૈલાસ પર જઈ પાર્વતીજીને પામવાની માગણી કરે છે. માં પાર્વતી કહે છે કે 'તું તો શિવપુત્ર છે, એટલે તું મારો પણ પુત્ર ગણાય. અને મારા સામે આવી અભદ્ર માગણી ન કરાય.'

પછી જલંધર વૈકુંઠમાં જાય છે અને માતા મહાલક્ષ્મીના હાથની માગણી કરે છે. મહાલક્ષ્મી કહે છે કે 'તું સમુદ્ર- પુત્ર છે અને હું સમુદ્રની પુત્રી છું. તેથી આપણે તો ભાઇ-બહેન ગણાઇએ. બહેન પાસે તું આવી ઘટિત માગણી કેમ કરે છે?'

આવો જલંધર અંતે વૃંદા જેવી એક સતિ સ્ત્રીનો પતિ બને છે. વૃંદા કાલનેમી રાક્ષસની સુંદર પુત્રી છે. અસુર પુત્રી હોવાં છતાં તે પરમ સતિ છે. તેના પતિવ્રત ધર્મનાં બળથી જલંધર અજેય બને છે. આખરે અસુર જલંધરના ત્રાસથી વિશ્વને મુકત કરવા માટે ભગવાન વિષ્ણુ માયા રચે છે.અને અંતે પરમસતિ વૃંદાના પાતિવ્રત્ય ધર્મનો ભંગ થાય છે અને જલંધર હણાય છે. સતિ વૃંદાના શ્રાપથી વિષ્ણુને શીલાખંડ બનવું પડે છે. વૃંદા અગ્નિ સ્નાન કરે છે અને તેના દેહની ભસ્મ પર એ જ સમયે તુલસીનો છોડ ઉગે છે. વૃંદા જ તુલસી છે. યોગ ભ્રષ્ટ આત્મા એવી વૃંદા, પછી તુલસીનો છોડ બનીને શાલીગ્રામ સ્વરૂપ પરમાત્મા સાથે વિવાહ કરી શકે છે. બાપુએ આપણાં શાસ્ત્રોમાં દર્શાવાયેલા અન્ય યોગભ્રષ્ટ મહાન આત્માઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે રાજર્ષિ વિશ્વામિત્ર, મહારાજા દશરથ, દક્ષ પુત્રી સતિ, ભકત શબરી, મહર્ષિ શરભંગ અને વિભીષણ એ સહુ યોગભ્રષ્ટ છે, જે પછીના જન્મે પરમતત્વ રામને પામી જાય છે.

તુલસીશ્યામની નયનરમ્ય ગિરિમાળાઓ વચ્ચે હરિનામ સંકીર્તન સાથે પૂજય બાપુએ કથાને વિરામ આપ્યો હતો.

(10:16 am IST)