Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

વંથલીમાં ખેડુતની થેલીમાં કાપો મારી રૂ. ર૪પ૦૦ની ચોરી

ઝાંપોદડ ગામે બંધ મકાનમાં તસ્કરો ખાબકયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: વંથલીમાં ખેડુતની થેલીમાં કાપો મારી અજાણ્યો શખ્સ રૂ. ર૪પ૦૦ની રોકડ રકમ ચોરીને નાસી જતાં સનસની મચી ગઇ હતી.

વંથલીનાં નાવડા ગામનાં ખેડુત ગોરધનભાઇ લાલજી કાચા નામનાં વૃધ્ધે પોતાની જમીનમાં વાવેલ મગફળી ઉપાડેલ હોય તેની મજુરી કામનાં પૈસા ચુકવવા માટે ગઇકાલે નાણા ઉપાડવા વંથલી ખાતે એસબીઆઇમાં આવેલ.

બાદમાં પોતાના ખાતામાંથી રૂ. ર૪પ૦૦ ઉપાડીને પાસ બુકમાં એન્ટ્રી પડાવવા માટે લાઇનમાં ઉભા હતા ત્યારે અજાણ્યો શખ્સ ગોરધનભાઇની નજર ચુકવી તેની થેલીમાં કાપો મારી તેમાંથી રૂ. ર૪પ૦૦ની રોકડ ચોરીને નાસી ગયો હતો.

આ અંગેની જાણ થતાં હેડ કોન્સ્ટેબલ એસ. ડી. સોંદરવા વગેરેએ દોડી જઇને તપાસ હાથ ધરી હતી. પરંતુ આંગળીનો ઇલમી હાથ લાગ્યો ન હતો.

ચોરી

વંથલી તાલુકાનાં ઝાંપોદડ ગામના વિપ્ર કમલેશભાઇ જેન્તીલાલ ત્રિવેદી પરિવાર સાથે બહારગામ ગયા હતા.

ત્યારે તેમનાં બંધ મકાનનાં તાળા તોડી તસ્કરો સોનાનાં દાગીના, લક્ષ્મીજીનો ચાંદીનો સિકકો તેમજ રૂ. ૪૦૦૦ની રોકડ મળી કુલ રૂ. પપ હજારની માલમતા ચોરીને તસ્કરો નાસી જતાં પી.એસ.આઇ. બી. કે. ચાવડા એ તપાસ હાથ ધરી છે.

(12:37 pm IST)