Gujarati News

Gujarati News

News of Wednesday, 30th September 2020

કેશોદના મઘરવાળામાં પાતાળ કૂવામાં પડી આહિર યુવાને જીંદગી ટૂંકાવી

જૂનાગઢ એલસીબી પોલીસે તપાસમાં માર માર્યો હોવાનો પરિવારજનોનો આક્ષેપ : માર મારતા આપઘાત : વર્ષ ૨૦૧૭ના હત્યા કેસમાં પુછતાછ થયેલ

કેશોદ,તા. ૩૦: તાલુકાના મઘરવાડાનો આહિર યુવાન નવનીત લાખાભાઈ હેરભા (ઉ.વ.૨૫) એ ગામમાં આવેલાં પાતાળ કુવામાં ઝંપલાવી આપધાત કરી જીંદગી ટુંકાવી લેતા નાનકડા એવા મધરવાળા ગામમાં અરેરાટી વ્યાપી ગયેલછે.

પ્રાપ્ત વિગત મુજબ ૨૦૧૭ની સાલમાં એક મહિલાનો મૃતદેહ બડોદર ગામ પાસેથી મળેલ હતો. આ બનાવના અનુસંધાને જેતે સમયે IPCની કલમ ૩૦૨ હેઠળ કેશોદ પોલિસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ હતો.આ બનાવની તપાસ LCB  જુનાગઢ ચલાવી રહેલછે. મૃતક નવનીતભાઈ હેરભાના પરિવારજનોએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતુ કે જુનાગઢ એલસીબી પોલીસ ગામનાં દશેક યુવાનોને  આ ગુનાની તપાસ સબબ છેલ્લાં એક સપ્તાહથી લઈ જતા હતા. અને માર મારી છોડી મુકતાં હતા. જુનાગઢ એલસીબી પોલીસેમાર મારતા કંટાળીને તેના પુત્ર નવનિતે ગામમાં આવેલા પાતાળ કુવામાં ઝંપલાવી આપઘાત કરી લીધેલ હોવાનો પરિવારજનોએ એલસીબી પોલિસ સામે આક્ષેપ કરેલ છે.

મઘરવાડા ગામનાં આગેવાનો અને ગ્રામ્યજનો દ્વારા માંગ કરવામાં આવી હતીકે જયાં સુધી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સંભાળવામાં આવશે નહી. પોલિસ તંત્ર દ્વારા આ બનાવની યોગ્ય તપાસ કરવાની આગેવાનોએ ખાત્રી આપતા મામલો થાળે પડયો હતો. આ બનાવથી કેશોદ સરકારી દવાખાને યુવાનનો મૃતદેહ લાવવામાં આવતાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

મઘરવાડા ગામનાં અન્ય યુવાનો કે જેમણે પોલીસે માર માયાઙ્ખના આક્ષેપ સાથે ચાર યુવાનો(૧ )પોલા પ્રવિણભાઈ હેરભા (૨)હાદા મેણંદભાઈ હેરભા (૩)જગમાલ હિરાભાઈ હેરભા (૪)અરવિંદ દેવાયતભાઈ હેરભા એ ગઈકાલે કેશોદ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયેલ હતા.જેને ફરજપરના ડોકટરે સારવાર આપી ડિસ્ચાર્જ કર્યા હતા. આ ચારેય યુવાનોએ જુનાગઢ એલસીબી જવાબદાર પોલીસકર્મીઓ વિરુદ્ઘ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ કરેલ હતી.

મૃતક નવનીતભાઈના મૃતદેહનુ પોસ્ટમોર્ટમ કેશોદ સરકારી હોસ્પિટલના ડોકટર એ.ટી. ભીમાણી અને ડો.પરસાણીયાએ કરી તેમના પરિવારને મૃતદેહ સોંપેલ હતો. સરકારી હોસ્પિટલે ગ્રામજનોમાં રોષ જોવા મળતાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ડીવાયએસપી જે.બી. ગઢવીની સુચનાથી  બંદોબસ્ત ગોઠવેલ હતો.

મળેલ વિગત મુજબ મૃતકના પરિવારમાં એક બહેન અને બેભાઈઓમાં મૃતક નવનિત નાનો હતો અને અપરણીત હતો. તેમના માતા પિતા ખેતરમાં ભાગ્યુ રાખી તેમના પરિવારસાથે ખેતરમાં મજુરી કામ કરેછે.જુવાનજોધ પુત્રના એકાએક મોતથી આ ગરીબ હેરભા પરિવારમાં આધાત સાથે ગમગિની છવાઈ ગયેલછે. આ બનાવથી મધરવાળા ગામમાં શોકનુ મોજુ ફરી વળેલ છે.

ગ્રામજનોએ પેનલ પીએમ કરવા માંગ કરી હતી આ યુવાનને એક હત્યા કેસમાં પોલીસ દ્વારા પૂછપરછ કરી સતત માર મારવામાં આવતો હોય તેની વિરૂધ્ધ ફરિયાદ કરવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી હતી મંગળવારે બપોરે લાખા ભાઇ હેરભા ગામને પાણી આપવાનું કામ કરતા હતા તેઓ બપોરના સમયે પાતાળ કુવે પહોંચતા તેમણે કૂવામાં એક મુત દેહ તરતો જોયો હતો જે તેમના પુત્ર નવનીતનો હોવાનું માલુમ પડયું હતું આથી તેમણે ગામલોકોને વાત કરી હતી દરમિયાન નવનીતને એક હત્યા કેસમાં પોલીસ દ્વારા ગુનો કબૂલી લેવા વારંવાર માર મારવામાં આવતો હોવાને લીધે જ તેણે આપધાત કર્યો હોવાની વાત બળવતર બની હતી આથી જયાં સુધી એસપી ન આવે ત્યાં સુધી સ્થાનિક પોલીસને મુતદેહ બહાર ન કાઢવા જણાવ્યું હતું જો કે આ કૂવો ગામ લોકોને પાણી પુરૂ પાડતો હોઈ પોલીસે ગામલોકોને સમજાવી મુતદેહ બહાર કાઢી કેશોદ હોસ્પિટલે ખસેડાયો હતો ગામ લોકોએ મુતકનુ પેનલ પીએમ કરાવવા તેમજ માર મારનાર પોલીસ કર્મી ઓ વિરૂદ્ધ ગુનો નોંધવા હોસ્પિટલે પહોંચ્યા હતા હોસ્પિટલે ઉપસ્થિત ગામલોકોએ જ્યાં સુધી માંગણી ન સંતોષાય ત્યા સુધી મુતદેહ ન સંભાળવા જીદ પકડી હતીકેશોદ ડીવાયએસપી. જે. બી. ગઢવીએ જણાવ્યું હતુ કે ગ્રામજનોએ પોલીસ વિરૂધ્ધ ગુનો નોંધવાના માંગ કરી છે ત્યારે તપાસ કરનાર એજન્સી બીજી હોય તેથી તપાસ બાદ કાર્યવાહી કરશે તેમણે સ્થાનિક પેનલ પીએમ અથવા જામનગરમાં પીએમ કરાવવાની માંગ સ્વીકારી હતી.

(12:47 pm IST)